સીઝનનો પ્રથમ 4000 ભારી માલ ઠલવાયો: પૂજા વિધિ કરતા ચેરમેન-વેપારી પ્રમુખ: ડુંગળી પણ 1.5 લાખ કટ્ટાની થઇ આવક
રાજકોટ મિરર, ગોંડલ તા.18
ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આશરે ચારેક હજાર હજારની ભારી ઠલવાઈ હતી. મુહૂર્તના સોદામાં ભારી દીઠ રૂ. 23113 બોલાયા હતા. જ્યારે ડુંગળીની પણ 1.15 લાખ કટ્ટાની આવક વચ્ચે મણે ભાવ રૂ. 200થી 800 બોલાતા ખેડૂતોમાં રાજીપો છવાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેન ને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા. અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડબ્રેક રૂ. 23113 ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ
બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા નું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચા નો પાક સુકવી ને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
