નવનિયુક્ત મ્યુ.કમિશનરે લેવા પડશે નક્કર પગલા , અનેક કામગીરી ટીપી વિભાગમાં ઠપ્પ
રાજકોટ, તા. 25
ટીઆરપી અગ્નિકાંડ બાદ અનેકવિધ કામગીરી મહાનગરપાલિકાની ટલ્લે ચડી ગઈ છે. જે કામ પેલા ગણતરીના દિવસોમાં થઈ જતા તે કામને થતા હવે મહિનાઓ વીતી જાય છે છતાં પણ એ કામ પૂર્ણ થતું નથી એટલું જ નહીં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હવે કોઈપણ નવા કામ કરતા ડરતા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. આ અંગે રાજ્ય સરકારમાં પણ અનેકવિધ વખત ફરિયાદો થઈ છે ટોચના અધિકારીઓને પણ આ અંગે સમજાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી વેગ પકડવી જોઈએ તે વેગ પકડી શકી નથી જે અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે. આ અંગે હવે ખરા અર્થમાં મહાનગરપાલિકાના કર્મચારીઓમાં જોશનો સંચાર થાય તે ખૂબ જરૂરી છે.
બીજી તરફ અધિકારીઓનું પણ માનવું છે અને સંબંધિત વિભાગના સૂત્રોનું પણ માનવું છે કે હાલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં કામગીરી જે ઝડપથી થવી જોઈએ તે થતી નથી એટલું જ નહીં આ વિભાગના ટોચના અધિકારીઓ તથા કર્મચારી પણ આ અંગે સહેજ પણ ગંભીરતા દાખવતા નથી જેની પાછળ શું કારણ હોય તેનો કોઈ અંદાજો નથી પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે હવે ટાઉન પ્લાનિંગ વિભાગ ઉપર દરેક લોકો અથવા કહી શકાય કે સંબંધિત વિભાગના લોકો હાલ આંગળી ચીંધી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગની ઢીલીનીતીના કારણે રાજકોટના અનેકવિધ પ્રોજેક્ટ હાલ ખોરંભે છે. મહત્વનું એ છે કે જ્યાં સુધી આ પ્રોજેક્ટ નું નિવારણ નહીં આવે ત્યાં સુધી ઘણા ખરા પ્રશ્નો ઊભા રહેશે અને રાજકોટનો વિકાસ પણ અટકી જાય તો નવાઈ નહીં.
ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે અન્ય વિભાગો પણ જોડાયેલા છે પરંતુ હાલ મનપામાં ફાયર અને ટીપી વિભાગ જે ભાગ ભજવે છે તેમાં ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ બાદ હાલ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ચાર્જ સંભારતાના એક કે બે સપ્તાહની અંદર જ અન્ય બે કર્મચારીઓ દ્વારા રાજીનામાં આપી દેવામાં આવ્યા જેમાં એક રાજીનામું તો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીનું છે જે સૂચવે છે કે અહીં એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગમાં કોઈ કામ કરવા માટે તૈયાર નથી. જો આ સ્થિતિ યથાવત રહી તો ભવિષ્યમાં આના માઠા પરિણામ મહાનગરપાલિકાએ ભોગવવા પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન આ દિશામાં કઈ રીતે પગલાં લે છે કારણ કે આ સ્થિતિ જો ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં નહીં આવે તો ઘણા પ્રશ્નો ઊભા થશે.
બીયુ પરમિશન ની સાથોસાથ અન્ય દસ્તાવેજો મેળવવા માટે રાજકોટના લોકોએ મનપા કચેરીના ધક્કા ખાવા પડે છે ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં જે જોમ અને જુસ્સો હોવો જોઈએ તે જોવા મળતો નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એ વાતનો ડર છે કે જો તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે તો તેમાં તેની સંડોવણી થશે કે કેમ આ ડરના કારણે હાલ કોઈ પણ કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ 100 વાર વિચાર કરે છે પરિણામ સ્વરૂપે સ્થાનિક લોકોએ ઘણું ખરું ભોગવવું પણ પડે છે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ ખરા અર્થમાં આ દિશામાં વિચાર કરવો આવશ્યક બન્યો છે એટલું જ નહીં સંબંધિત વિભાગના અધિકારીઓનું મોરલ ઉચું આવે તે માટે હવે અન્ય કાર્યો કરવા ખૂબ આવશ્યક બન્યા છે કારણ કે જ્યાં સુધી અધિકારીઓ અને કર્મચારીઓમાં એ ડર નહીં જાય ત્યાં સુધી ઘણા ખરા પ્રશ્નો ઉભા રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથોસાથ અધિકારીઓએ પણ અંતે રાજકોટની જનતાને મધ્યમાં રાખી તેમના કામ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કામ કરવું અત્યંત જરૂરી અને અનિવાર્ય બન્યું છે જો આ સ્થિતિ આગામી થોડા દિવસોમાં નહીં બદલાય તો ઘણા વિકટ પરિણામો માટે મહાનગરપાલિકાએ સાવધ રહેવું પડે તેવું તજજ્ઞોનું માનવું છે.
