દારૂની કાર પકડવા ઉભેલા SMCના PSI પઠાણનું મોત

દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં વધુ એક વખત બૂટલેગરો બની ગયા ચુનંદા અધિકારીના મોતનું કારણ: દસાડા પાસે કરૂણ ઘટના

બાતમી મુજબની ક્રેટા કાર આવી તે વખતે જ એક ટ્રેલર નીકળ્યું: તેને ઉભા રહેવા ઇશારો કરતાં બંને વાહન ભાગ્યા: પાછળ એસએમસીની ફોર્ચ્યુનર કાર હતી: લાઇટથી અંજાઇ જતાં સાઇડમાં જતી વખતે પીએસઆઇ જાહીદખાન પઠાણ ટ્રેલરમાં અથડાઇ પડી ગયા: ગંભીર ઇજાથી મોત: રાજકોટના હેડકોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજા અને અમદાવાદના કર્મચારીનો ઇજા સાથે બચાવ
(દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 5
રાજકોટ: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બહારના રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડી દેવામાં સપ્લાયરો, બૂટલેગરો દ્વારા પેંતરા અજમાવાતા હોય છે. દારૂ કોઇપણ રીતે ગુજરાત સોૈરાષ્ટ્રમાં ઘુસી ગયા પછી નાની ગાડીઓ કાર કે બીજા વાહનો મારફત છુટક બૂટલેગરો દ્વારા કટીંગ કરી જે તે ગામ શહેર મહોલ્લામાં પહોંચાડાય છે. જો કે પોલીસ આ પ્રકારની હેરાફેરી અનેક વખત ઉઘાડી પાડે છે. ઘણીવાર આવી કામગીરી કરવા જતાં પોલીસ જીવ પણ ગુમાવે છે. વધુ એક વખત એક કરૂણ ઘટના બની છે જેમાં સુરેન્દ્રનગર પાસે દસાડા નજીક મધરાતે મળેલી બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમ નાકુ રોકીને ઉભી હતી ત્યારે દારૂની બાતમી મુજબની ક્રેટા કારને આંતરવા જતાં તે વખતે જ ટ્રેલર પણ નીકળતાં અને પાછળ એસએમસીની ફોર્ચ્યુનર પણ હોઇ તેની લાઇટથી અંજાઇ જતાં પીએસઆઇ સાઇડમાં ખસવા જતાં ટ્રેલરની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે બીજી તરફ ફંગોળાયેલા હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
અરેરાટીભરી અને પોલીસબેડામાં ગમગીની ફેલાવી દેનારી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું છે. પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાત પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. વિશેષ માહિતી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે સોમવાર-મંગળવારની મોડીરાત્રે એસએમસીમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનાફખાન પઠાણ (ઉં.વ.50)ને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું ડોક્ટરે જાહેર કરતાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ અકસ્માતમાં સાથેના બે પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે. રાજકોટ)ને પણ ઇજા થઈ હતી. તેમનો ચમત્કારીક બચાવ થયો હતો. દસાડા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે કાર્યવાહી થઇ હતી.
વિરમગામ ખાતે પીએસઆઇ જાહીદખાન પઠાણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયા બાદ તેમના મૃતદેહને અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લઇ જવામાં આવતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. તેમના ભાઈ ફરવા માટે ચંદીગઢ ગયા હોઇ તે પણ તાબડતોબ પરત આવ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પીએસઆઇ જે.એમ. પઠાણ મોડી રાતે અઢી વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઊભા હતા.
આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાયેલ નહીં. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા. દારૂ ભરેલી હોવાની બાતમી હતી તે ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટ્રેલરની પાછળના ભાગે અથડાઈ જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં બેભાન થઇ ઢળી પડ્યા હતાં. તેમને પ્રથમ દસાડા પ્રાથમિક આરોગ્ય સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને ખસેડાયા હતાં. પરંતુ તેમને નિષ્પ્રાણ જાહેર કરાયા હતાં.
પોતાની ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા પીએસઆઇ જે. એમ. પઠાણ અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્નિ છે. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ચુનંદા અધિકારીઓના લિસ્ટમાં પીએસઆઇ પઠાણ પણ સામેલ હતાં. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની મોટી રેઇડ કરી હતી. આ ઘટનાથી સમગ્ર એસએમસી ટીમ અને પોલીસબેડામાં શોક છવાઇ ગયો હતો. ઘટના સ્થળે કોઇ વાહનની ટક્કર લાગતાં પીએસઆઇ પઠાણની કારમાં પણ ભારે નુકસાન થયું હતું. ઘટના અંગે એસએમસીના વડા નિર્લિપ્ત રાયે મિડીયાને જણાવ્યું હતું કે પીએસઆઇ પઠાણને ટીપ મળી હતી કે રાજસ્થાનથી એક કાર દારૂ સાથે ગુજરાતમાં ઘુસી છે અને સુરેન્દ્રનગર તરફ તે જઇ રહી છે. બાતમી મળતા જ તેઓ ફોર્ચ્યુનર કાર અને બીજી એક ટીમને લઇને અમદાવાદથી રવાના થયા હતા. અમારા ઓપરેશન ગુપ્ત હોય છે એટલે અમે હંમેશા ખાનગી વાહનનો ઉપયોગ કરીએ છીએ. પઠાણ પણ ખાનગી ગાડીમાં હતા અને દસાડા પાસે તેઓ ટીમ સાથે બૂટલેગરની કાર પર વોચ રાખી ઊભા હતા. શ્રી રાયએ વધુમાં કહ્યું કે અકસ્માત પછી ક્રેટા કાર ઊભી ના રહી અને પઠાણની ટીપ પ્રમાણે ક્રેટા કારમાં કંઈ શંકાસ્પદ હોવું જોઇએ. પઠાણની ટીમે પહેલા પઠાણને બચાવવાનો નિર્ણય લીધો અને એટલે જ તે લોકોએ ક્રેટાની પાછળ જવાને બદલે પઠાણને શક્ય તેટલી વહેલી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યો. તેમણે પહેલા દસાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પછી વિરમગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે અમે એક સારા અધિકારી ગુમાવી દીધા હતાં. આ ઘટનાની વધુ વિગત મુજબ દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થવાની છે તેવી બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પીએસઆઇ જે.એમ. પઠાણ રાત દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે નાકાબંધી કરીને ઉભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેઓ તેનો પીછો કરવા માટે પોતાની ટીમ સાથે ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી અથડાતા આ કારમાં પણ ભારે નુકસાની થઇ હતી. કારમાં પણ ભારે નુકસાન થયું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:13 pm, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech