ચેતી જજો : છ ઇન્ફ્લુએન્સરને લાગ્યું જૂગારીનું લેબલ
શહેર સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ બે સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કર્યા બાદ વધુ છ આવા પકડાયા: ખોટા રસ્તે ગજવા ભરનારાઓમાં ફફડાટ
રાજકોટ તા. 22
રાજકોટમાં કે આસપાસમાં ફલાણી ઢીકણી જગ્યાએ ચાલતા પંજાબી ચાઇનીઝના ધાબા, કાઠીયાવાડી ભોજનાલયો કે પછી બીજા વેપાર-ધંધાઓના સ્થળે પહોંચી તેમના વેપાર ધંધાની આગવી સ્ટાઇલમાં વિડીયો બનાવી જાહેરાત કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર પોતાની આવડતથી નીતનવા વિડીયો બનાવી લોકોના વેપાર-ધંધામાં તેજી આવે તેવા પ્રયાસ કરે છે. આવા વિડીયો બનાવી પોતાની આઇડી પર વાયરલ કરવાના ચાર્જ પણ તેઓ વસુલે છે અને સાચા રસ્તે કમાણી કરે છે. પરંતુ કેટલાક આવા ઇન્ફલુએન્સર જાહેરાતના નામે ઓનલાઇન જૂગારની એપનો પ્રચાર કરી તગડી કમાણી કરતાં હોવાનું ધ્યાને આવતાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝુંબેશ શરૂ કરી શરૂઆતમાં આવા બે ઇન્ફલુએન્સર સામે જૂગારધારાના બે ગુના નોંધી ધરપકડ કર્યા બાદ આવા વધુ છ જણાને પકડી જૂગારધારાનો ગુનો દાખલ કર્યો છે.
ઇન્ફલુએન્સર તરીકે કામ કરતાં વધુ છ લોકોને જૂગારની લેબલ લાગી ગયાની કાર્યવાહીની વિગતો પર નજર કરીએ તો સાયબર ક્રાઇમ પોલીસે વધુ છ ગુના દાખલ કર્યા છે તેમાં કાલાવડ રોડ જડ્ડુસની પાછળ રહેતાં નિલેષ મનસુખભાઇ ચાવડા નામના અઠ્ઠાવસ વર્ષના સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર સામે જુગારધારાની કલમ 12-એ મુજબ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી નિલચાવડા ઓફિશીયલ પ્રોફાઇલ પર રાજાગેમ નામની ઓનલાઇન બેટીંગની વેબસાઇટની લિંક મુકી લોકોને ગેમીંગ રમવા પ્રોત્સાહન પુરો પાડવાનો ગુનો નોંધાયો છે. નીલે પોતાની આઇડીમાં મુકેલી જૂગારની ગેમને લગતી લિંક ખોલતાં જ લોટરી સ્પોર્ટસ કેસીનો સ્લોટ્સ વગેરે ગેમ્બલીંગ રમવા માટેનું પેજ ઓપન થાય છે. આ જ રીતે નવાગામ આણંદપર સાત હનુમાન સામે રહેતાં ભાવેશ મુકેશભાઇ રાઠોડ નામના પચ્ચીસ વર્ષના યુવાનએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ઓનલાઇન જૂગારની સ્કાય365 ગેમ્સ નામની લિંક મુકી છે. તે ઓપન કરતાં જૂગાર રમવા માટે પ્રોત્સાહન મળે છે. આ લિંક પોતાની આઇડી પર મુકી પ્રમોશન કરવાનો ચાર્જ તે વસુલતો હોઇ રૂા. 80નો ફોન કબ્જે કરાયો છે.
તેમજ રાજકોટના શુકલ પીપળીયા ગામે રહેતો લક્ષમણ સુરેશભાઇ જંજવાડીયા નામના ત્રીસ વર્ષના ઇન્ફ્લુએન્સરે પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી પર સ્કાય365 નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી તેનો ચાર્જ વસુલી લોકોને જૂગાર રમવા પ્રોત્સાહન આપતો હોઇ તેની સામે પણ જૂગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તેનો 40 હજારનો ફોન કબ્જે કરાયો છે. આ ઉપરાંત જંગલેશ્ર્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગર-5માં રહેતો વિજય મનસુખભાઇ મજેઠીયા નામનો બત્રીસ વર્ષનો સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર પણ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી પર સ્કાય365 નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી જૂગાર રમવાનો પ્રચાર કરતો હોઇ ગુનો નોંધી ધરપકડ કરવા અને મોબાઇલ ફોન રૂા. 35 હજારનો કબ્જે કરવા કાર્યવાહી થઇ હતી.
સાયબર ક્રાઇમ પોલીસે પાંચમો ગુનો કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શીવનગર-12માં રહેતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સાગર કિશોરભાઇ છૈયા સામે દાખલ કર્યો હતો. સાગર પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં સ્કાય365 નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી જૂગાર રમવા લોકોને પ્રોત્સાહીત કરતો હોઇ તેની સામે પણ જૂગારધારાનો ગુનો નોંધી છ હજારનો ફોન કબ્જે કરાયો હતો. તેમજ છઠ્ઠો ગુનો આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-1માં રહેતાં ઇલેશ કિશોરભાઇ ડેરવાડીયા નામના વીસ વર્ષના ઇન્ફલુએન્સર સામે નોંધાયો છે. તે પોતાની આઇડી પર 11વિન નામની ઓનલાઇન જૂગારની ગેમની લિંક મોકલી ચાર્જ વસુલતો હોઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી 40 હજારનો ફોન કબ્જે કરાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ચેતન પટેલની રાહબરીમાં પીઆઇ સાયબર ક્રાઇમ એસ. ડી. ગીલવા, પીઆઇ એમ. એ. ઝણકાત, એએસઆઇ એફ. એ. શેખ, વી. એન. કુછડીયા, હેડકોન્સ. વાય. જે. ગોહિલ સહિતની ટીમે ફરિયાદો દાખલ કરી હતી. પરમ દિવસે સાયબર ક્રાઇમ પોલીસે ઈન્ફલુએન્સર ધાર્મિક જગશીભાઈ વાઘાણી (રહે. માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) તથા આ ઉપરાંત બીજા એક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર દીપ મનોજભાઈ ગોસ્વામી (રહે. તથ્ય બંગલો નં.15, રેલનગર, રાજકોટ) વિરૂધ્ધ ગુના નોંધી ધરપકડ કરી હતી. આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે. તો મારા વાલીડાવ, મારા બાપલીયાવ હજુ પણ ચેતી જજો, જો ઇન્સ્ટા આઇડીનો ખોટો ઉપયોગ કરી આ પ્રકારે જૂગારની લિંકનો પ્રચાર કરતાં હોય તો બંધ થઇ જજો, પછી કહેતાં નહિ કે અમે પકડાઇ ગયા!
