સમુહલગ્ન ચીટીંગનો ભેજાબાજ
ચંદ્રેશ ચાંદ્રોલા પોલીસ પકડથી દૂર !
અઠ્ઠાવીસ યુગલોને પરણવા બોલાવી છૂ થઇ જનારા ચંદ્રેશને કારણે સાથી કાર્યકરોને બનવું પડ્યું આરોપી: ચારના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે થયા
રાજકોટ: અમુક લેભાગુઓ એવા હોય છે જે ટુંકા રસ્તે માલદાર થવા માટે કોઇપણ રસ્તો અપનાવી લેતાં હોય છે. હિન્ન કૃત્ય કરતાં પણ આવા લોકો શરમાતા હોતાં નથી. કંઇક આવુ જ શહરેના ચંદ્રેશ છત્રોલાએ કર્યુ છે. સમુહલગ્નનું આયોજન કરી સેવાના નામે મેવા ખાવાનું કાવત્રુ ઘડી દાતાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી અઠ્ઠાવીસ યુગલોને પરણવા માટે સમુહલગ્ન સ્થળે બોલાવી બાદમાં તેમને રઝળતા મુકી છૂમંતર થઇ ગયેલો ચંદ્રેશ પોલીસને ગોત્યો જડતો નથી. લાખો રૂપિયા તેણે અલગ અલગ દાતાઓ પાસેથી સેવાના કાર્યના નામે કાવત્રાના ભાગરૂપે મેળવી લીધા હતાં. તેના આ કૃત્યને કારણે ખરેખર સેવા કાર્યમાં મદદરૂપ થવાના આશયથી સામેલ થયેલા ચાર શખ્સો પણ આરોપી બનતાં જેલભેગા થવાની નોબત આવી હતી.
વિગતો જોઇએ તો શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એડીબી હોટલ સામેના મેદાનમાં શનિવારે યોજાયેલા સમૂહલગ્ન આયોજકના કાવતરાથી અટકી પડ્યા હતા અને અઠ્ઠાવીસ જાન લીલા તોરણે પાછી ફરે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. શહેર પોલીસે માનવતા દાખવી લગ્ન કરાવી વરક્ધયા માટે માવતરની ભૂમિકા ભજવી હતી. આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જો કે સુત્રધાર ચંદ્રેશ છત્રોલા હાથમાં ન આવતાં પોલીસે દોડધામ જેમની તેમ રાખી છે, પણ ચંદ્રેશ ગોત્યો જડતો ન હોઇ પોલીસની મુંજવણ વધી છે. ઋષિવંશી સમાજ સેવા સંઘ-રાજકોટ દ્વારા બાવીસમીએ શનિવારે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારે સવારે ચાર વાગ્યાથી ક્ધયાપક્ષના લોકો આવવા લાગ્યા હતા અને પાંચ વાગ્યાથી વરરાજા પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. અઠ્ઠાવીસ યુગલ લગ્નગ્રંથિથી જોડાવાના હતા અને ચોતરફ ખુશીનો માહોલ હતો, પરંતુ સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા દેખાયો નહોતો અને આયોજન ભાંગી પડ્યું હતું. જાનૈયા માંડવીયાઓમાં લગ્નગીતોની રમઝટને બદલે દેકારો મચી ગયો હતો. ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી. આર. વસાવા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે વ્યવસ્થા સંભાળી લગ્નવિધિ કરાવી હતી. આ બનાવમાં શાપર-વેરાવળની શાંતિધામ સોસાયટીમાં રહેતા કાનજીભાઇ ટાટમિયા (ઉ.વ.54)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સમુહલગ્નના આયોજકો ચંદ્રેશ જગદીશ છત્રોલા, દિલીપ પ્રવીણ ગોહેલ, દીપક હિરાણી, હાર્દિક શીશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા અને દિલીપ વરસડા સામે છેતરપિંડી વિશ્ર્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા અને તેમની ટીમે શનિવારે જ દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવીણ ગોહેલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી.
પોલીસે ચારેય આરોપીને રવિવારે રજૂ કરતા કોર્ટે ચારેયના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે આજે પુરા થયા હતાં. પુછતાછમાં રિમાન્ડ પર રહેલા ચારેય આરોપીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, સમૂહલગ્નના આયોજનમાં સેવાકીય ભાવનાના હેતુથી જોડાયા હતા. મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા છે, ચંદ્રેશ છત્રોલા જ બે મહિનાથી તમામ દાતાઓને મળતો હતો અને જે કંઇ રકમ મળતી હતી તેનો હિસાબ પણ ચંદ્રેશ જ રાખતો હતો. ચંદ્રેશે કેટલી રકમના ઉઘરાણા કર્યા?, કેટલી રકમનો ક્યાં ઉપયોગ કર્યો તે સહિતની તમામ બાબતો ચંદ્રેશ જ જાણતો હતો. પોલીસ હવે ચંદ્રેશને શોધી કાઢવા દોડધામ કરી રહી છે. દાન થકી તેણે લાખો રૂપિયા મેળવી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ચંદ્રેશ સિવાય અન્ય એક આરોપી પણ પકડવાનો બાકી છે. જો કે કાવત્રાખોર ચંદ્રેશ હાથમાં આવે પછી જ સાચ્ચી વિગતો અને સાચ્ચો ઠગાઇનો આંકડો બહાર આવી શકે તેમ છે.
