ખાખીનો ખોફ શું કહેવાય? તે રાજકોટના ગુનેગારો લુખ્ખાઓને બરાબર સમજાવી દેવાનો સમય

હોતા હૈ ચલતા હૈ જેવી નીતિ: ખાખીની આબરૂ પર વધુ એક ઘા

પોલીસ પર હુમલાની ઘટનાઓ વચ્ચે હવે હોમગાર્ડને મારકુટ કરી રોકડ લૂંટી લેવાઇ: રૂપરડી માત્ર ચારસો ગઇ, પણ ખાખીની આબરૂનું મોટુ ધોવાણ થયું

જેના નામ માત્રથી આવારા તત્વોની ફેં ફાટી જાય, ગુનેગાર ગુનો આચરતા પહેલા સો વખત વિચાર કરે એવા ખાખીધારી, અધિકારીઓની રાજકોટને સતત ખોટ: આ કારણે લુખ્ખાઓ ફાલ્યા ફુલ્યાનો નાગરિકોને સતત અનુભવ

રાજકોટ: શહેરમાં અમુક લુખ્ખાઓ ગમે ત્યારે પોલીસ સામે પણ થઇ જવાની આદત ધરાવતાં થઇ ગયા છે. થોડા દિવસ પહેલા પ્રદ્યુમનનગર પોલીસની ટીમ આરોપીને પકડવા ગઇ ત્યારે હુમલો કરી આરોપી ભાગી ગયાની વાત હજુ ચર્ચાને ચકડોળે છે ત્યાં હવે શહેરના પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતાં પૂલ નીચે હોમગાર્ડ જવાન પર બે લુખ્ખાએ હુમલો કરી માર મારી ધમકી દઇ રોકડ રકમની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ છે. આ હોમગાર્ડ નાઇટ ડ્યુટીમાં હોઇ એક શખ્સે આવી હું ગણેશનગરનો ડોન મોહિત ગોહેલ, પોલીસે અહિ બેસવું નહિ કહી બીજા સાગ્રીતને બોલાવી હોમગાર્ડને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ ગુપ્તીના હાથાથી ફટકારી જે હોય તે આપી દેવાનું કહી ખિસ્સા ફંફોળી ચારસો રૂપિયાનીર કોડ લૂંટી લીધી હતી. અહિ રકમ બહુ નાની છે પણ ખાખીની આબરૂ પર ઘા મોટો થયો હોવાનું કહેવાય છે.
ચકચાર જગાવતી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં ત્રીસ વર્ષના યુવાન વિપુલ ગીરધરભાઇ સોલંકીની ફરિયાદ પરથી મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં મોહિત ચમનભાઇ ગોહેલ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી બંનેને શોધી કાઢવા ટીમો કામે લાગી છે. આ ઘટનાની વિગતો જણાવતાં હોમગાર્ડ વિપુલ સોલંકીએ જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી ચોવીસની સવારના પાંચ સુધી મારી નોકરી હોઇ હું અને બીજા હોમગાર્ડ નિલેષ યાદવ પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતાં પૂલ નીચે રામાપીર મંદિર ચોક ખાતે ફિક્સ પોઇન્ટ પર હતાં. આજુબાજુના વિસ્તારમાં શંકાસ્પદ ગતીવિધી જણાય તો નાઇટ રાઉન્ડમાં રહેલા અધિકારીને જાણ કરવાની હોય છે.
આ દરમિયાન રાતે ત્રણેક વાગ્યે અમે અમારા પોઇન્ટ પર હતાં ત્યારે સાથેના જવાન નિલેષ યાદવ ચા પીવા ગયેલ. આ વખતે એક શખ્સ મારી પાછળ ચાલીને આવ્યો હતો હતો અને ‘હું મોહિત ગોહેલ, ગણેશનગરનો ડોન, તું કેમ અહિ બેઠો છો? પોલીસે અહિ બેસવું નહિ’ તેમ કહી મારી સાથે જીભાજોડી કરી હતી. મેં તેને આવુ બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ધારદાર ગુપ્તી કાઢી મને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મેં મારા રક્ષણ માટે મોટરસાઇકલમાંથી લાકડી કાઢી હતી. એ વખતે તેણે ઝપાઝપી ચાલુ કરહીત. એ દરમિયાન આ મોહિતે બૂમ પાડી કોઇને બોલાવતાં એક અજાણ્યો શખ્સ દોડી આવ્યો હતો. બાદમાં અજાણ્યાએ મને પાછળથી પકડી લીધો હતો અને મોહિતે ગુપ્તી બતાવી જે હોય તે આપી દે નહિતર મારી દઇશ કહી મારા ખિસ્સા ફંફોળી રૂા. 400 કાઢી લીધા હતાં. તેમજ ગુપ્તીના હાથાના ચાર-પાંચ ઘા મને મારી ઢીકાપાટુ પણ માર્યા હતાં. એ દરમિયાન બીજા જવાન નિલેષ યાદવ આવી જતાં મેં તેને વાત કરી હતી. હુ ડરી ગયો હોવાથી પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ઘરે જતો રહ્યો હતો.આ ઘટના પછી મેં તપાસ કરતાં આ શખ્સ ગેણશનગમાં રહેતો મોહિત ચમનભાઇ ગોહેલ હોવાની ખબર પડી હતી. પછી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં વિપુલ સોલંકીએ કહેતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો દાખલ કરતાં ડી. સ્ટાફ ટીમ અને એલસીબીની ટીમે આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. અગાઉ પણ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખાઓએ એક જ રાતમાં ચાર સ્થળે લૂંટ ચલાવી ખૂનની કોશિષના ગુના આચરી ભય ફેલાવી દીધો હતો. એ પછી આ હુમલામાં ઘાયલ યુવાને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હવે ફરી બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હોમગાર્ડને કહેવાતા ગૂંડા-ડોને મારકુટ કરી રોકડ લૂંટી લેતાં ફરી વખત ખાખીની આબરૂ પર ઘા થયો છે. ગુનેગારો ગુનો આચરે એને પોલીસ પકડે તો છે, પરંતુ બીજા કોઇ ગુનો આચરતા પહેલા ફફડી જાય એવી કામગીરી હવે થતી ન હોવાનું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે. પોલીસની ઢીલી પક્કડ અને હોતા હૈ ચલતા હૈ જેવી નીતિને કારણે રાજકોટમાં ગમે ત્યારે ગમે ગુંડો કે ડોન બનીને મેદાને આવી પોલીસની આબરૂને ઠેંસ પહોંચાડી નાગરિકોને રંજાડી જવાની હિમત કરતો થઇ ગયો છે. એવા અધિકારીઓની રાજકોટને જરૂર છે જેના નામ માત્રથી ગુનેગારો ફફડે. ખાખીનો ખોફ શું હોય તે ગુનેગારોને દેખાડવાની ખુબ જરૂર છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:14 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm