‘રૂપિયા દુધે ધોઇને આપીશ’ એવું કહી 20.67 લાખનો ચૂનો લગાવ્યો!
શરૂઆતમાં સોપારી ખરીદી રોકડા ચુકવ્યા પછી લાખોનો માલ બાકીમાં લઇ ગયો અને જુનાગઢ, સુરતની ઓફિસને તાળા મારી ગાયબ થઇ ગયો: ગાંધીગ્રામ પોલીસે રંગપરના વેપારીની ફરિયાદ દાખલ કરી
રાજકોટ: નવા જુના નુસ્ખાઓ, તુક્કાઓનો ઉપયોગ કરી ગામને બૂચ મારી દેનારાઓનો જગતમાં તોટો નથી. જ્યાં જુઓ ત્યાં આવા ગઠીયાઓ પોતાની કારીગીરી કરતાં નજરે પડે છે. રોજ ઉઠીને કોઇને કોઇ લોકો છેતરાઇ રહ્યા છે. રાજકોટમાં પણ એક વેપારી સાથે લાખોની ઠગાઇ થઇ છે. પડધરીના રંગપરમાં રહેતાં અને શહેરના 150 ફુટ રીંગ રોડ પર ભાગીદારીમાં પેઢી ધરાવી સોપારી, ઘરઘંટીનો ધંધો કરતાં યુવાન વેપારીને અમદાવાદી ઠગ આબાદ છેતરી ગયો છે. પોતાને જુનાગઢ, સુરતમાં પેઢીઓ છે, સોપારીના માલની ખુબ જરૂર છે તેવી વાતો કરી શરૂઆતમાં બાકીમાં માલ લઇ નાણા ચુકવી વિશ્ર્વાસ કેળવી બાદમાં ચોવીસ લાખ જેવો માલ લઇ તેમાંથી સવા ત્રણ લાખ જેવી રકમ ચુકવી બાકીના વીસ લાખથી વધુની રકમનું આ ગઠીયો બૂચ મારી જતાં ફરિયાદ થઇ છે. તમારા રૂપિયા દૂધે ધોઇને પાછા આપીશ તેવી વાતો કરનારો ગઠીયો હવે ગોત્યો જડતો નથી.વિગતો પર નજર કરીએ તો રાજકોટ શહેરમાં છેતરપીંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પડધરીના રંગપર ગામે રહેતાં અને રાજકોટમાં ભાગીદારીમાં સોપારી તથા ઘરઘંટીનો વેપાર કરતાં યુવાન સાથે અમદાવાદનો શખ્સ વિશ્ર્વાસ કેળવી જથ્થાબંધ સોપારી અને ઘરઘંટીનો માલ રૂા. 23,98,345નો ખરીદી ગયા બાદ કટકે કટકે 3,31,150 ચુકવી બાકીના 20,67,195 ન ચુકવી ફોન બંધ કરી તેમજ જુનાગઢ, સુરતની ઓફિસો બંધ કરી ગાયબ થઇ જતાં ગાંધીગ્રામ પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી છે. ગાંધીગ્રામ પોલીસે પડધરીના રંગપર ગામે રહેતાં અને જેકેસી એન્ટરપ્રાઇઝના નામે ભાગીદાર વેપાર કરતાં પિયુષભાઇ જેન્તીભાઇ મુંગલપરા નામના ઓગણત્રીસ વર્ષના યુવાન વેપારીની ફરિયાદ પરથી અમદાવાદ વસ્ત્રાલમાં અર્પણ સ્કૂલ રોડ ગેલેક્સી ઓપેલ સામે માધવ હોમ્સ બ્લોક પી-402 ખાતે રહેતાં જૈમીન દિનેશભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ભોગ બનેલા વેપારી યુવાન પિયુષભાઇ મુંગલપરા રાજકોટ દોઢસો ફુટ રીંગ રોડ સિનર્જી હોસ્પિટલ રોડ પર આસ્થા એન્કલેવ શોપ નં. 3માં ઓફિસ ધરાવે છે. તેની સાથે ભાગીદારી પેઢીમાં રજનીકાંત દામજીભાઇ ઉંધાડ અને પ્રવિણભાઇ છગનભાઇ માલાણી છે. આ પેઢી હોલસેલ ભાવે સોપારી અને ઘરઘંટીનો વેપાર કરે છે. પિયુષભાઇએ જણાવ્યું છે કે ગત 14/3/23ના રોજ અમારી ઓફિસે જેમીન પરમાર આવ્યો હતો. તેણે કહેલુ કે તે હોલસેલ ભાવે માલની ખરીદી કરે છે અને કમિશન-માર્જીન રાખી વેંચાણ કરે છે, તેની પેઢી જુનાગઢ ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષમાં ગોપી એન્ટરપ્રાઇઝ નામે અને સુરતમાં કતાર ગામે છે. જૈમીને જતે વખતે પોતાને સોપારીના માલની મોટા જથ્થામાં જરૂર હોઇ સેમ્પલ જુનાગઢની પેઢીએ મોકલવા કહ્યું હતું. ત્યાર પછી અમે તા. 16/3/23ના રોજ સોપારીના બે પાર્સલ જુનાગઢ મોકલ્યા હતાં. જેની કિમત રૂા. 42315 થતી હતી. આ પછી જૈમીને કહેલુ કે તમારી સોપારીની ગુણવત્તા ખુબ જ સારી છે, મારે હજુ મોટા પાટે ખરીદી કરવી પડશે. પણ માર્કેટમાં હરીફાઇના કારણે અઠવાડીયા દસ દિવસ કસ્ટમર્સને બાકીમાં માલ દેવો પડે તેમ છે. જેમ જેમ મારે કસ્ટમર પાસેથી રૂપિયા આવતા જશે તેમ તેમ તમને પેમેન્ટ આપતો રહીશ. આ રીતે જૈમીને અમને ભરસો આપ્યો હતો. બાદમાં અમે તેને સોપારી મોકલવાનું ચાલુ કર્યુ હતું. અમે જૈમીનની મીઠી વાણી અને વાકચાતુર્યમાં આવી જતાં 16/3/23થી 18/4/23 સુધીમાં કટકે કટકે રૂા. 22,58,345ની સોપારી મોકલી હતી. પિયુષભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અમે સોપારીની સાથે ઘરઘંટી પણ વેંચતા હોઇએ જૈમિને સોપારીની સાથે સાથે અમારી પાસેથી રૂા. 1,40,000ની ઘરઘંટી પણ ખરીદી કરી હતી. આ રીતે તેણે અમારી પાસેથી કુલ રૂા. 23,98,345નો માલ ખરીદ કર્યો હતો. શરૂઆતમાં તેણે અમને વિશ્ર્વાસમાં લેવા માટે રૂા. 3,31,150 કટકે કટકે ચુકવ્યા હતાં. બાદમાં તેણે અમને બે ચેક આપ્યા હતાં. પરંતુ ચેક બેંકમાંથી રીટર્ન થયા હતાં. તેની અમે તેને જાણ કરતાં તેણે બાકી નીકળતાં રૂા. 20,67,195 ધીમે ધીમે ચુકવી દેશે તેવી ખાત્રી આપી હતી. આ પછી અમે તેને માલ આપવાનું બંધ કરી દીધુ હતું અને અમારા રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. પરંતુ તે સતત નવા નવા બહાના આગળ ધરી દેતો હતો અને કહેતો હતો કે મારા ઉપર ભરોસો રાખો તમારા રૂપિયા દુધે ધોઇને પાછા આપીશ. પણ છેલ્લે તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધુ હતું અને તેના ફોન પણ બંધ કરી દીધા હતાં. અમે જુનાગઢ તેણે આપેલા ઓફિસના સરનામે તપાસ કરવ ાજતાં ત્યાં ઓફિસ બંધ હતી. સુરતની ઓફિસે જતાં તે પણ બંધ હતી.
અમારી પાસેથી સોપારી, ઘરધંટી ખરીદી શરૂઆતમાં અમુક રકમ ચુકવી વિશ્ર્વાસ જીત બાદમાં 20,67,195 નહિ ચુકવી ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં પિયુષભાઇએ કહેતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મેડમ એસ.આર. મેઘાણીના માર્ગદર્શનમાં હેડકોન્સ. આર એમ. ગઢવીએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ એ. એસ. મકરાણીએ હાથ ધરી છે. વિશ્ર્વાસમાં આવી જતાં વધુ એક વેપારીને લાખોનો ચુનો લાગી ગયો હતો.
