નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રીનો અભિગમ

રાજકોટ સહિત 17 નગરપાલિકાઓ
7 મનપાના વિકાસ માટે 1000 કરોડ : CM

7 મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર જ્યારે 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરને મળશે લાભ

રાજકોટ, તા. 30
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલોપમેન્ટને પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગને કારણે વધી રહેલા શહેરીકરણ અને શહેરોમાં ઉત્તરોત્તર વધતી જન સંખ્યાની સુવિધા સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ યોજનાની સફળતાને પગલે 2026-27 સુધી તેને ચાલુ રાખી છે.
મુખ્યમંત્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ 1000.86 કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ 141.37 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે 7 કરોડ 75 લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે 4.46 કરોડ, ડભોઇ માટે 1.75 કરોડ તેમજ 3 મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. 25 કરોડ, જામનગરને રૂ. 47.53 કરોડ તથા ભાવનગરને રૂ. 54.88 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં 70:20:10ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને 148.11 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
નગરો-મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટીઝ – આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રોડ રસ્તા, ગાર્ડન, સ્કૂલ-કોલેજ બિલ્ડીંગ્સ, સ્લમ વિસ્તારના કામો, ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થાના કામો, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સહિતના કામો હાથ ધરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આ અન્વયે સમગ્રતયા 611.39 કરોડના વિવિધ કામો મંજૂર કર્યા છે. આ કામોમાં અમદાવાદ મહાનગરપાલિકાને 36.27 કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને 18.27 કરોડ અને ઊંઝા નગર પાલિકાને 4.70 કરોડ મંજુર થયા છે.
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 51.72 કરોડ તથા જામનગર, ભાવનગર મહાનગરપાલિકાને અનુક્રમે રૂ. 245.48 કરોડ અને 246.60 કરોડ તથા જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રૂ. 8.35 કરોડ મંજુર થયા છે તથા રાધનપુરમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.41.34 કરોડને અનુમતિ આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો મહાનગરોની આગવી ઓળખના કામોમાં હેરિટેજ એન્ડ ટુરીઝમ, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ, વોટર બોડી એન્ડ સ્કેપિંગ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક જેવા કામો માટે નાણા ફાળવણી કરવામાં આવે છે.
તદઅનુસાર થરા નગરપાલિકાને ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક માટે 4 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજુર કર્યા છે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 2010થી અત્યાર સુધીમાં 61,977 કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.
આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના 67,360 કામો મંજૂર કરીને રૂ. 32,647 કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે .મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ 6462 કામો માટે રૂ. 3110.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના 1214 કામો માટે રૂ. 1887.56 કરોડ ચૂકવવામાં આવેલા છે. એટલું જ નહીં, આગવી ઓળખના 201 કામો માટે રૂ. 1591.11 કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. નગરો, મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 43,804 કામોને મંજૂરી આપીને રૂ. 2431.51 કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:29 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech