પદ્મકુંવરબા હોસ્પિટલના બે બેદરકાર તબીબોને કરાયા સસ્પેન્ડ

બેકસુર આયા બહેનને નોકરી પરથી જ ઉતારી ઘરે બેસાડી દેવાયા : ત્રણ નર્સોની બદલી, ઉચ્ચ આરોગ્ય તંત્રની પોણા બે મહિના પછી કાર્યવાહી

રાજકોટ મિરર, તા.19
શહેરના ગુંદાવાડી વિસ્તારની પદ્મકુંવરબા હોસ્પીટલમાં પરપ્રાંતીય મહિલાને પ્રસુતિની સારવારમાં ભયંકર બેદરકારી દાખવનાર બે તબીબોને સસ્પેન્શનના ફરફરિયાં પકડાવી ઉચ્ચ આર્યોગ્ય તંત્રએ ધાક બેસાડતી શિક્ષાત્મક કાર્યાવાહી કરી છે. એટલુજ નહિ પ્રસુતાને હોસ્પીટલના પ્રાંગણમાં બાંકડે જ થઇ ગયેલી પ્રસુતિના બનાવમાં યેનકેન પ્રકારે કસુરવાર ત્રણ પરીચારીકોને અહીંથી બદલી કરી અન્ય શહેરમાં મોકલી દેવાઈ છે તો બેકસુર આયા બહેનને નોકરીથી હાથ ધોવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદ્મકુવરબા હોસ્પિટલમાં આજથી પોણા બે મહિના પહેલા એક પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ બહાર જ બાંકડા પર પ્રસુતિ થઈ ગયાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આરોગ્યતંત્ર એ આ ઘટના દરમિયાન કસુરવાર બે રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. ત્રણ નર્સની અન્ય સ્થળે બદલી કરી નાખી છે. જ્યારે પ્રસુતા સાથે જેમની નોકરી હતી તેવા આયાબેનને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવાયા છે.
આ બાબતે મળતી વિગતો મુજબ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુવરબા હોસ્પિટલમાં આજથી દોઢ પોણા બે મહિના પહેલા એટલે કે 1લી ઓક્ટોબર ના રોજ એક પરપ્રાંતીય મહિલાને પ્રસુતિની વેદના થતા અહીં લાવવામાં આવી હતી. પરંતુ રાબેતા મુજબ તબીબોએ આ મહિલાની તકલીફને સમજવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. પરિણામે પ્રસુતાને મજબૂરીવશ હોસ્પિટલ બહારના બાંકડે સુવડાવીને સેવાભાવિઓ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી.આ વાતના વિડીયો જે તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બનાવના છેક ગાંધીનગર સુધી આરોગ્યતંત્રમાં ઘેરા પડઘા પડ્યા હતા.
ઉચ્ચ આરોગ્ય તંત્રએ આ બાબતે તાત્કાલિક તપાસ સમિતિ રચી હતી અને તેમાં રાજકોટ ઝોનના વિભાગીય આરોગ્ય નાયબ નિયામક ડો. ચેતન મહેતા તેમજ જનાના હોસ્પિટલના ગાયનેક વિભાગના ડો. કમલ ગોસ્વામી સહિતના સભ્યોની નિમણૂક કરી હતી. આ તપાસ સમિતિએ ધગધગતો રિપોર્ટ ગાંધીનગર ખાતે આરોગ્યતંત્ર સમક્ષ પહોંચાડતા બે ડોક્ટરોનો ભોગ લેવાયો છે. જેમાં રેસીડન્ટ ડોક્ટર મૌલિક બુધરા અને ડોક્ટર શિવાંગીની ગરાસિયાને એક ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હેડનર્સ કંચનબેન ખીમસુરીયાને તાકીદની અસરથી જામનગર ખાતે બદલી કરાયા છે. તેમજ અન્ય બે સ્ટાફ નર્સની કરાયેલી બદલીમાં પારુલબેન વાઘને દ્વારકા તેમજ નિધીબેન ચૌહાણને જામનગર બદલી કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત પદ્મકુવરબા હોસ્પિટલના આરએમઓ નુતનબેન સામે પણ ખાતાકીય તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
તબીબી અધિક્ષક ઝાલાએ બનાવનો
ઢાંકપીછોડો કરવા કર્યો પ્રયાસ ?
લોકમુખે ચર્ચાય છે કે પદ્માકુવરબા હોસ્પિટલમાં જ્યારે પ્રસુતાને રોડ ઉપર જ પ્રસુતિ થઈ ગયાના અહેવાલો વહેતા થયા બાદ આ બનાવ પર ઢાંકપીછોડો કરવા પદ્મકુવરબા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ઝાલા દ્વારા ગજબના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ તપાસ માગી લે તેવા છે. પરંતુ પાપ અંતે છાપરે ચડીને પોકાર્યું હોય તેમ ઉચ્ચ આરોગ્ય તંત્રએ બે ડોકટરો સામે સસ્પેન્શનના પગલાં બેસાડી ધાક બેસાડતી કરેલી કામગીરીની સાર્વત્રિક સરાહના થઈ રહી છે.
છઉઉના ડો.ચેતન મહેતાએ શું કહ્યું ?
પદ્મા કુંવરબા હોસ્પિટલમાં બહાર આવેલી લાગતા વળગતા તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી બાબતે ખરેખર કેટલા તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ? તેવા પ્રશ્નોના જવાબમાં રાજકોટ ઝોનના વિભાગીય આરોગ્ય નાયબ નિયામક ડો. ચેતન મહેતાએ “રાજકોટ મિરર” સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ આ પ્રકરણમાં બે રેસિડેન્ટ ડો. મૌલિક બુધરા અને ડો. શિવાંગીની ગરાસીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રીજા ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હોવાની વાત બાબતે અજાણતા વ્યક્ત કરતા ડોક્ટર ચેતન મહેતાએ જણાવ્યું હતું કે તે પોતાના સર્વિસના ક્રાઇટ એરિયા બહારની વાત હોવાથી ગાંધીનગર આરોગ્ય તંત્રમાંથી જે કાગળો આવશે તે પ્રમાણે કાર્યવાહી થશે. ટુંકમાં ત્રીજા તબીબને સસ્પેન્ડ કરાયા કે કરાશે ? તે બાબતે તેઓએ અજાણતા વ્યક્ત કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:39 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech