બે મિત્રો ફાકી ખાવા ગયા અને રસ્તામાં એકને ‘કાળ’ આંબી ગયો

જીવલેણ અકસ્માતની ઘટના યથાવત: વધુ એક પરિવારે કંધોતર ગુમાવ્યો

ભગવતીપરામાં મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં પચ્ચીસ વર્ષના યુવાનનો જીવ ગયો: મિત્રને ગંભીર ઇજા: મૃતકના થોડા સમય પહેલા જ થયા હતાં લગ્ન (દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 5
રાજકોટ: તહેવારના દિવસોમાં રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં જીવલેણ વાહન અકસમાતની ઘટનાઓ બનતી રહી હતી. જેમાં પાંચ લોકોએ જિંદગીથી હાથ ધોવા પડ્યા હતાં. લાભ પાંચમની આગલી રાતે પણ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મિત્રો બાઇક સહિત ફેંકાઇ જતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાંથી એક મિત્રનું પ્રાણપંખેરૂ ઉડી જતાં તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. થોડા સમય પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં અને તે પરિવારનો આધાર સ્તંભ હતો. બંને મિત્રો પાન ફાકી ખાઇને ઘર તરફ જતા હતાં ત્યારે રસ્તામાં આ બનાવ બની ગયો હતો. ભગવતીપરાની આ ઘટનામાં આશાસ્પદ યુવાન દિકરો ગુમાવનારા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર શહેરના ભગવતીપરામાં રાત્રે બાઇક સ્લીપ થઇ જતાં બે મિત્રો ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એક મિત્રનું મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. બીજાને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વધુ વિગતો પર નજર કરીએ તો ભગવતીપરા શેરી નં. 5માં રહેતો ઓગણચાલીસ વર્ષનો કોૈશિકભાઇ નવીનભાઇ પરમાર અને તેની સામે જ રહેતો મિત્ર પચ્ચીસ વર્ષનો સુનિલ બચુભાઇ ઝાલા રાતે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ પાન ફાકી ખાવા ગયા હતાં. બંને બાઇક પર પરત ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે બાઇક સુનિલ હંકારી રહ્યો હતો.
ત્યારબાદ બંને મિત્રો બદરી પાંડે મોડર્ન સ્કૂલ નજીક પહોંચ્યા ત્યારે મોટાર સાઇકલ સ્લીપ થઇ જતાં બને ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન સુનિલનું મૃત્યુ થયું હતું. સુનિલ ત્રણ બહેનનો એક જ ભાઇ હતો. તે કારના સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કોૈશિકે જણાવ્યું હતું. મિત્ર કોૈશિકે કહ્યું હતું કે અમે પાન ફાકી ખાઇને પરત આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. સુનિલ એકાદ મહિના પહેલા જ મારા ઘર સામે રહેવા આવ્યો હોઇ અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. તેના તાજેતરમાં જ લગ્ન થયા હતાં. હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘાયલ થયેલો કોૈશિક સારવાર હેઠળ છે. તે દરજી કામ કરે છે અને તેને સંતાનમાં બે પુત્રી છે.
જ્યારે બીજા જીવલેણ અકસ્માતમાં જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા નજીક સોમવારે રાતે બારેક વાગ્યે કારે ટુવ્હીલર એક્ટીવાને ઉલાળી દેતાં પતિ-પત્નિ અને પુત્રને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં આઠ વર્ષના પુત્રનું મોત થતાં કલ્પાંત સર્જાયો હતો. સારવાર દરમિયાન આ બાળકના માતાનું પણ મોત થયું છે. ન્યારા ગામે હાથી મસાલા ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અને ત્યાંના ક્વાર્ટરમાં જ રહેતાં મુળ વઢવાણના પ્રહલાદભાઇ સોંડાભાઇ લકુમ એ પુત્ર બાદ પત્નિ પણ ગુમાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જાણવા મળ્યા મુજબ પ્રહલાદભાઇ લકુમ, તેના પત્નિ પારૂલબેન તથા પુત્ર પ્રિન્સ સોમવારે સાંજે ફિલ્મ જોવા ગયા બાદ વળતા હોટલમાં જમીને ઘર તરફ જતાં હતાં ત્યારે રાતે બારેક વાગ્યે ન્યારા ગામના પાટીયા પાસે ત્રણેયને એક્ટીવા સહિત કારના ચાલકે ઉલાળી દેતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ 8 વર્ષના પ્રિન્સનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. એ પછી હવે પ્રિન્સના માતાનું પણ મૃત્યુ થયું છે. પ્રિન્સ એક બહેનથી નાનો હતો. તેની મોટી બાર વર્ષની બહેન બીજા સગાના વાહનમાં બેઠી હતી. આ બાળાએ ભાઇ બાદ માતાને પણ ગુમાવી દેતાં અને સુપરવાઇઝરે પત્નિ-પુત્રને ગુમાવી દેતાં પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:09 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm