કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કેન્દ્ર સરકાર પાસે માંગ, પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર થાય છે ત્યા સ્મારક બનાવવામાં આવે
નવીદિલ્હી, તા. 27
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે જ્યાં પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર થાય છે ત્યાં એક સ્મારક બનાવવામાં આવે. તેમણે ફોન પર મોદી-શાહને કહ્યું- પૂર્વ પીએમને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. મનમોહન લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેહોશ થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.ડો. સિંહની અંતિમ યાત્રા 28 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. આ માહિતી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આપી હતી.
તેમણે કહ્યું- ડો. સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાનથી અઈંઈઈ મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સવારે 8:30 થી 9:30 સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પહેલા શુક્રવારે સાંજે કોંગ્રેસના મુખ્યાલયમાં ઈઠઈની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.
મનમોહન સિંહના નિધનના કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના નિવાસસ્થાને ગયા હતા. રાહુલે ડ પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે. દરમિયાન, કર્ણાટકના બેલાગવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાપના દિવસને લગતા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી પછી શરૂ થશે.
