કોંગ્રેસના કૃષ્ણદત્ત રાવલ અને સંજય લાખાણી દ્વારા રાજકોટ મનપાને કરાઈ રજૂઆત : 260(1) અને 260(2) ની નોટીસ મળી છતાં એન્જીનીયર રાવલ દ્વારા નથી કરવામાં આવતું ડિમોલિશન
કોંગ્રેસનો આક્ષેપ સીટી એનજીનીયર રાવલ વીપી વૈષ્ણવને બચાવી રહ્યા છે : 25 મીટર થી ઓછું બાંધકામ હોય તો તે સીટી એન્જિનિયરના અધિકાર ક્ષેત્રમાં જ આવે છતાં આંખ આડા કાન
રાજકોટ, તા. 4
રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ અનેક વખત ચર્ચામાં રહ્યું છે અને તે ચર્ચા ખરા અર્થમાં યથાર્થ પણ ઠરી છે. જોવાનું એ છે કે આટલી ગંભીર ઘટનાઓ ઘટી છતાં પણ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એવું કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેનાથી જે ખોવાયેલો ભરોસો છે તે પરત આવી શકે. હાલ ટાઉન પ્લાનિંગ વિભાગની સાથોસાથ જે તે ઝોનના સિટી એન્જિનિયર દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણ અને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ અંગે કોંગ્રેસના સંજય લાખાણી તથા કૃષ્ણદત રાવલ દ્વારા અનેક વખત સિટી એન્જિનિયર સેન્ટ્રલને લેખિત રજૂઆત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું છે કે આજે બિલ્ડીંગ છે તેને દૂર કરવામાં આવે કારણ કે આ ગેરકાયદેસર છે પરંતુ એનકેન પ્રકારે અધિકારી દ્વારા કોઈ નક્કર જવાબ આપવામાં આવતો ન હોવાનું માલુમ પડ્યું છે. તેઓએ જણાવ્યું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પટેલે પણ આ કેસ સીટી એન્જિનિયર હસ્તક હોવાનું જણાવ્યું છે તો કયા કારણોસર અતુલ રાવલ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે.
રાજકોટના અત્યંત જાણીતા એવા યાજ્ઞિક રોડ પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વીપી વૈષ્ણવ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું છે ત્યારે તે બાંધકામની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 260 (1) તથા 260 (2) ની નોટીસ પણ બજવી દીધી છે છતાં પણ કોઈને કોઈ કારણસર મહાનગરપાલિકા જે તે મિલકતને તોડતી નથી અને જે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તેના પર કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સ્નો ક્રીમવાળી જગ્યા જે હાલ રાજકોટ ચેમ્બરના વિ.પી. વૈશ્નવની માલિકીની છે તેની સામે ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે 260(1) તથા 260(2) ની નોટીસ વર્ષ 2023 ના સપ્ટેમ્બર મહિનામાં જ આપવામાં આવી હતી અને ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા તેને સાત દિવસની અંદર જ બાંધકામ તોડવા માટેની નોટિસ પણ આપી પરંતુ આજ દિન સુધી આ કિસ્સામાં કોઈ નક્કર કામગીરી થઈ નથી.. બીજી તરફ સામાન્ય લોકો દ્વારા જો ઘેર કહી દે બાંધકામો કરવામાં આવેલા હોય તો તેને દૂર કરવા માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવતા હોય છે સાથોસાથ અધિકારીઓ દ્વારા ફોટા પણ પડાવવામાં આવે છે પરંતુ અહીં કેમ કોઈ કામગીરી નથી થતી તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે અને આ 100 મણનો સવાલ પણ છે.
રાજકોટ કોંગ્રેસના સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલના જણાવ્યા અનુસાર સંબંધિત વ્યક્તિ રાજકીય વગ ધરાવતો હોવાથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અથવા તો અધિકારીઓ તે દબાણને દૂર કરતા ડરે પણ છે પરંતુ ખરી વાસ્તવિકતા શું છે તેનો કોઈ અંદાજો નથી. દબાણ કરેલ જે મિલકત છે તેને 260 / 2 નીચે નોટિસ છે તેની બજવણી 23 સપ્ટેમ્બર 2023 ના રોજ કરી દેવામાં આવી હતી તેને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાં બિલ્ડીંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડીંગ તૈયાર પણ થઈ ગઈ છે ત્યારે મહાનગરપાલિકા અને ખાસ તો સેન્ટ્રલ ઝોનના ભા એન્જિનિયર કઈ વાતની વાટ જુએ છે તેનો કોઈ અંદાજ હજુ સુધી આવ્યો નથી. ભૂતકાળમાં આ બિલ્ડિંગને સીલ પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર તે સીલ ને ફરી ખોલી દેવામાં પણ આવ્યું જે સૌથી મોટો ચર્ચાનો વિષય છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ જે રીતે કામગીરી થઈ રહી છે તે જોતા સીટી એન્જિનિયર દ્વારા જાણે તે મિલકતની રખે વાળી કરવામાં આવતી હોય તે મુજબના જ નિવેદનો આપવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ નક્કર પરિણામ લક્ષી કામગીરી હજુ સુધી ટાઉન પ્લાનિંગ વિભાગ કે સીટી એન્જિનિયર દ્વારા કરવામાં આવી નથી.
યોગ્ય જણાશે ત્યારે તોડી પાડીશું : સીટી એન્જિનિયર
સેન્ટ્રલ ઝોનના સીટી એન્જિનિયર અતુલ રાવલે જણાવ્યું હતું કે હાલ આ કેસમાં યોગ્ય જણાશે તો તેને તોડી પાડવામાં આવશે પરંતુ ક્યારે તેનો કોઈ જવાબ આપ્યો નથી એટલું જ નહીં કોંગ્રેસના બંને સભ્યોએ જણાવ્યું હતું કે સીટી એન્જિનિયર અતુલ રાવલ કહે છે કે આ કેસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પટેલ સાહેબ હસ્તક આવે છે જ્યારે ડીએમસી નું કહેવું છે કે 25 મીટર થી ઓછી જગ્યા હોય તો તે ભા એન્જિનિયર ના અધિકાર ક્ષેત્રમાં આવે છે જ્યારે 25 મીટર થી વધુ ની જગ્યા હોય તો જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધિકાર ક્ષેત્રમાં આવે છે ત્યારે વીપી વૈષ્ણવની જગ્યા પર જે ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તે 25 મીટરથી ઓછું છે અને તે સીટી એન્જિનિયર હસ્તક જ આવે છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેનો મતલબ એ જ છે કે સિટી એન્જિનિયર વી.પી વૈષ્ણવને બચાવી રહ્યા છે.
