દુકાન બહાર પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરાતા વેપારીઓમાં ભારે રોષ
રાજકોટ મિરર, તા.18
ટ્રાફિક પોલીસ વધુ એક વખત છીંડે ચડી છે. સતત કોઈને કોઈ કારણોસર ટ્રાફિક બ્રાન્ચ ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. હવે શહેરના રૈયા રોડ વિસ્તારમાં મેઇન રોડ પરના વેપારીઓ ટ્રાફિક બ્રાન્ચ સામે રોષે ભરાયા છે, આ રોષ આજે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને રેલી સ્વરૂપે રજુઆત કરીને ઠાલવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ટ્રાફીક પોલીસની ટોઇંગ વેનની કાર્યવાહીમાં દુકાન બહાર પાર્ક કરેલા વાહનોને ડીટેઇન કરી ગ્રાહકો પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ તથા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હોવાના રોષ સાથે રૈયા રોડ વેપારી એશોશીએશન દ્વારા આજે સવારે રૈયા ચોકડીથી હનુમાન મઢી સુધીના રોડ પર વેપાર ધંધા બંધ રાખી પાર્કિંગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો.
આઠસો જેટલા વેપારીઓએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચી પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાને લેખીત રજુઆત કરી હતી.
વેપારી એશોશીએશન દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં રૈયા રોડ ઉપર દુકાનો સામે પાર્કિંગ અંગેના પ્રશ્નોને લઇ અગાઉ વેપારીઓની રજુઆતને ધ્યાને લઇ પાર્કિંગ અંગેના પીળા પટ્ટા પોલીસ તથા કોર્પોરેશન તંત્ર દ્વારા પાર્કિંગની જગ્યા નક્કી કરી આપી હતી.
આગળ જણાવાયું હતું કે રોડ પર પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા દરમ્યાન હાલમાં રોડ રીપેરીંગના કારણે બ્લોક નાખવામાં આવતા પીળા પટ્ટા જતા રહ્યા હોઇ, જે જયાં સુધી કોર્પોરેશન દ્વારા પીળા પટ્ટા ન મારી આપે ત્યાં સુધી તમામ વેપારીઓને વાહનો પાર્ક કરવા બાબતે હેરાનગતી થાય છે.
દુકાને આવતા ગ્રાહકોને પણ તેના વાહન પાર્ક કરવા માટે મુશ્કેલી પડે છે. આ રોડ ટ્રાફીકથી સતત ધમધમતો હોવાને કારણે અવારનવાર ટ્રાફીક જામની સમસ્યા પણ રહે છે. અને ટ્રાફીક પોલીસ દ્વારા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ડીટેઇન કરી દંડ વસુલવામાં આવે છે. આથી આ રોડ પર ટ્રાફીક સમસ્યા નિવારવા માટે અવારનવાર ટ્રાફીક પોલીસની ટોઇંગ વેનની કાર્યવાહી સામે વેપારીઓએ આજે સવારે બંધ પાડી પોલીસ અને કોર્પોરેશન દ્વારા પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ લાવે અને દુકાન બહાર પીળા પટ્ટા મારી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારી એશોસીએશનના પ્રમુખ જયેશભાઇ બી. રાયચુરા, ઉપપ્રમુખ હરેશભાઇ રાજાણી અને સેક્રેટરી હાર્દિકભાઇ જોબનપુત્રા સહિતના વેપારીઓએ પોલીસ કમિશ્નરને લેખીત રજુઆત કરી હતી.
જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ વેપારીઓની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર સાથે વાતચીત કરી જયાં સુધી આ રોડ પર પાર્કિંગ માટે પીળા પટ્ટા લગાવી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રાફીક પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવશે નહીં તેથી બાંહેધરી આપી હતી અને જે તે વેપારીએ તથા ત્યાં આવતા ગ્રાહકોને ટ્રાફીકની સમસ્યા ઉભી ન થાય તે રીતે વાહનો પાર્ક કરવા માટે જણાવ્યું હતું. અગાઉ પણ હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલો બંધ કરવા મામલે વેપારીઓએ બંધ પાળી રોષ દાખવ્યો હતો. ત્યારે થોડો સમય સિગ્નલ બંધ રહ્યા હતા. હવે ફરી સિગ્નલ ચાલુ થઈ ગયા છે.
