જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો: વધુ એક પરિવારે ગુમાવી લાડકી દિકરી
આજીડેમ ચોકડી શ્રીરામ પાર્કમાં રહેતી 17 અને 14 વર્ષની બે સગી બહેનો શાળાએથી છુટી ઘરે જતી હતી ત્યારે જુના માર્કેટીંગ યાર્ડ પાસે ટુવ્હીલર સહિત અડફેટે આવી ગઇ: નાની બહેનની નજર સામે મોટી બહેને દમ તોડ્યો
જીવલેણ અકસ્માતની અન્ય બે ઘટનામાં બેડીપરાના રિક્ષાચાલકનું ચોટીલા પાસે મૃત્યુ : ઊનાના વૃધ્ધને વંથલી પાસે રિક્ષાનું ટાયર ફાટતાં મળ્યું મોત: બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.27
શહેરમાં અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં કેટલાય પરિવારોના આધારસ્તંભ, લાડકવાયા કે લાડકવાયીના જીવ ગયા છે. માતેલા સાંઢની જેમ દોડતાં વાહનો રાહદારીઓ, નાના વાહનચાલકો માટે જાણે સાક્ષાત મોત બનીને રોડ પર ભમતાં રહે છે. અમુક વાહનચાલકો બેફામ બનીને વાહન હંકારી મુકતાં હોય છે. વધુ એક આવો જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક પરિવારની આશાસ્પદ દિકરીનો જીવ ગયો છે. સદ્દનસિબે આ દિકરીની સાથે વાહનમાં બેઠેલી નાની દિકરી બચી ગઇ હતી. શાળાએથી છુટીને બે બહેનો પોતાના ટુવ્હીલર પર ઘરે જવા નીકળી ત્યારે જુના માર્કેટ યાર્ડ પાસે એક ડમ્પર આ બે પૈકી એક બહેન માટે કાળ બની જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ધોરણ બારમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.
વિગતો પર નજર કરીએ તો રાજકોટ શહેરમાં ફરીને એક વખત ગમખ્વાર જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં જુના માર્કેટીંગ યાર્ડ પાસેના સર્વિસ રોડ પર તોતીંગ ડમ્પરે ટુવ્હીલરને ઉલાળી દેતાં તેના પર બેઠેલી બે સગી બહેનો ફંગોળાઇ ગઇ હતી. જેમાં ધોરણ-12માં અભ્યાસ કરતી મોટી બહેનના કમરના નીચેના ભાગે ડમ્પરના તોતીંગ વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે નાની બહેનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. સાંજે બંને બહેન સ્કૂલેથી છુટીને આજીડેમ ચોકડી નજીક આવેલા પોતાના ઘરે જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. વધુ માહિતી જોઇએ તોઆજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્ક-3 બ્લોક નં. 13માં રહેતાી સત્તર વર્ષની અનુપ્રિયાપ્રિયાંશી પુર્વેન્દ્રકુમાર સિંગ અને તેની નાની બહેન ચોૈદ વર્ષની શકિતસુપ્રિયા સાંજે યાર્ડ નજીક આવેલી મઝહર સ્કૂલેથી છુટીને ટુવ્હીલર પર ઘરે જઇ રહી હતી તે વખતે યાર્ડ નજીક પહોંચી હતી.
આ વખતે અચાનક જ ડમ્પર નં. જીજે01સીવાય-4292ના ચાલકે ટુવ્હીલરને અડફેટે ચડાવી દેતાં તેના પર બેઠેલીં બંને બહેનો ફંગોળાઇ ગઇ હતી. જેમાં મોટી બહેન અનુપ્રિયાપ્રિયાંશીના કમરના ભાગે વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે નાની બહેન શક્તિસુપ્રિયાનો ઇજા સાથે બચાવ થયો હતો. આ ગમખ્વાર જીવલેણ અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ડમ્પરનો ચાલક ભાગે એ પહેલા પકડી લઇ આજીડેમ પોલીસને સોંપી દેવાયો હતો. નાની બહેનની નજર સામે જ કાળનો કોળીયો બની ગયેલી અનુપ્રિયાસુપ્રિયા બે બહેન, એક ભાઇમાં મોટી હતી અને ધોરણ-12માં મઝહર સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
મૃત્યુ પામનાર આ વિદ્યાર્થીનીના પિતા પુર્વેન્દ્રકુમાર યમનપ્રસાદ સીંગ મુળ બિહારના વતની છે. અહિ વીસેક વર્ષથી રહે છે અને કારખાનામાં કામ કરે છે. તેણીના માતાનું નામ નુતનબેન છે. આશાસ્પદ અને લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. સમયાંતરે કે અવાર-નવાર આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં અલગ અલગ પરિવારો પોતાના સ્વજનોને કાયમને માટે ગુમાવતા રહે છે. આ વધુ એક ઘટનામાં એક પરિવારે લાડકી દિકરીને ગુમાવી દેતાં ગમગીની છવાઇ ગઇ છે.
જીવલેણ અકસ્માતની વધુ એક ઘટનામાં વંથલીના ખોખરા ફાટક પાસે રિક્ષાનું ટાયર ફાટતાં રિક્ષા ગોથુ મારી જતાં અંદર બેઠેલા ઉનાના નવાબંદરના વૃધ્ધને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉના નવાબંદરમાં રહેતાં એંસી વર્ષના અલીભાઇ અબ્દુલભાઇ શેખ ગત 24મીએ ઉનાથી રિક્ષામાં બેસી જુનાગઢ જતાં હતાં ત્યારે વંથલી નજીક ખોખરા ફાટક પાસે રિક્ષાના ટાયરમાં પંચર પડતાં ટાયર ફાટતાં રિક્ષા પલ્ટી મારી જતાં અલીભાઇ સહિત છ સાત મુસાફરોને ઇજાઓ થઇ હતી. જેમાં અલીભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર વૃધ્ધને સંતાનમાં એક પુત્રી છે.
જ્યારે વાહન અકસ્માતમાં મોતની ત્રીજી ઘટના પર નજર કરીએ તો ચોટીલા નજીક આપાગીગાના ઓટલા નજીક ગત 23મીએ રિક્ષાને અકસ્માત નડતાં રાજકોટના વ્હોરા પરિવારના ચાર લોકોને ઇજા થઇ હતી. જે પૈકી રિક્ષાચાલક અને પરિવારના આધારસ્તંભનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ બેડીપરા સૈફી કોલોનીમાં રહેતાં ચાલીસ વર્ષના મુફદ્દલભાઇ શબ્બીરભાઇ ઘોઘારી 23મીએ પોતાની રિક્ષામાં પત્નિ ફરીદાબેન, પુત્ર મહમદ અને પુત્રી બતુલને બેસાડીને ધંધુકાથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે રિક્ષા પલ્ટી મારી જતાં ચારેયને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન રાતે મુફદ્દલભાઇનું મૃત્યુ થયું હતું. તેઓ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હતી. ધંધુકા ખાતે તેઓ ભાણેજના લગ્નમાં ગયા હતાં. ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. આ બનાવોની જાણ જે તે પોલીસ સ્ટેશનોમાં સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના આસી સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ કરી હતી.
