આયોજકોને 31ની ઉજવણી
માટે મળશે ફાયર FIRE-NOC
જુના NOC અંગે વિભાગનું ભેદી મૌન :આ મુદ્દે કોઈ અધિકારી બોલવા પણ નથી તૈયાર
રાજકોટ, તા. 30
આજે 31ની ઉજવણીના ભાગરૂપે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે રાજકોટમાં આ અંગે કુલ સાત અરજીઓ ફાયર એનઓસી માટે આવી હતી જેમાંથી મહાનગરપાલિકા દ્વારા કુલ ચાર અરજીઓને મંજૂર કરવામાં આવી છે એટલે કે એનઓસી આપવામાં આવ્યું છે જ્યારે બાકી ત્રણ આયોજનમાં હજુ અગ્નિશામક ઉપકરણો લગાવવામાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા અનુસાર આજના દિવસમાં જે આયોજન માં આયોજકો ફાયરના સાધનો લગાડશે તેમને ફાયર એનઓસી આપી દેવામાં આવશે. આપ અહીં પૂરી થતી નથી કારણ કે રાજકોટના ઘણા ખરા હાયરાઇઝ બિલ્ડિંગોના કામ અટકીને ઉભેલા છે કારણકે જે ફાયર એનઓસી મળવું જોઈએ તે મળતું નથી અને ગોળ ગોળ જવાબ આપીને ફાયર વિભાગના અધિકારીઓ કામને ટલ્લે ચડાવે છે.
હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાને લઈ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી કે અત્યારે મહાનગરપાલિકાની વૃદ્ધિ એકને ગોળ અને એક ને ખોળ જેવી છે. એક જ દિવસના 31 ડિસેમ્બરના આયોજન માટે કોઈપણ આયોજકો ફાયર એનઓસી માટેની અરજી કરશે તો તેમને ફાયર એનઓસી આપી દેવામાં આવશે તેવું સ્પષ્ટ વલણ ઇન્ચાર્જ ઓફિસર દાખવી રહ્યા છે પરંતુ જે બિલ્ડીંગોના કામ અટકેલા પડેલા હોય તેમને હજુ પણ ફાયર એનઓસી મળ્યું નથી આ માટે ગાંધીનગર ખાતે પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આ અંગે રાજ્ય સરકારની સાથોસાથ મહાનગરપાલિકાને પણ એક નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે ત્યારે મહત્વનું એ છે કે જે પેન્ડિંગ પડેલા કામો છે તેને ઝડપભેર પૂર્ણ કરવામાં આવે.
