સંભલની ઐતિહાસિક શાહી જામા
મસ્જિદમાં મંદિર હોવાનો દાવો
નવીદિલ્હી, તા. 2
સંભલની ઐતિહાસિક શાહી જામા મસ્જિદને હરિહર મંદિર હોવાના દાવા અંગે ચાલી રહેલા વિવાદમાં કોર્ટ કમિશનર રમેશ રાઘવે ગુરુવારે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ 40 થી 45 પાનાનો હોવાનું કહેવાય છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સીલબંધ પરબીડિયામાં સર્વે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે કોર્ટ કમિશનરે રિપોર્ટ તૈયાર કરવા માટે 19 અને 24 નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે શાહી જામા મસ્જિદનો સર્વે કર્યો હતો. આ દરમિયાન 24 નવેમ્બરે હિંસા થઈ હતી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ જૈને 19 નવેમ્બરે ચંદૌસીના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં જામા મજીદ હરિહર મંદિર હોવાનો દાવો દાખલ કર્યો હતો. કોર્ટે રમેશ રાઘવને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા અને તે જ દિવસે સર્વે કરવાનો આદેશ આપ્યો. સાંજે, કોર્ટ કમિશનર ડીએમ, એસપી અને અન્ય લોકો સાથે સર્વે માટે જામા મસ્જિદ પહોંચ્યા. અંધારાને કારણે તે દિવસે સર્વે પૂર્ણ થઈ શક્યો ન હતો. આથી 24 નવેમ્બરે ફરી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બીજા સર્વે દરમિયાન મસ્જિદની બહાર દેખાવોએ હિંસાનું સ્વરૂપ લીધું હતું. ચાર લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 29 પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા.
કોર્ટ કમિશનર 29 નવેમ્બરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાના હતા, પરંતુ રિપોર્ટ તૈયાર ન થવાના કારણે કોર્ટ કમિશનરે કોર્ટ પાસે બે વખત સમય માંગ્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટે સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવાને બદલે તેને સીલબંધ પરબિડીયામાં આપવાની સૂચના આપી હતી. ગુરુવારે, કોર્ટ કમિશનરે સીલબંધ સર્વે રિપોર્ટ સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહને સોંપ્યો હતો. કોર્ટ કમિશનરે કહ્યું કે રિપોર્ટ 40 થી 45 પાનાનો છે. રિપોર્ટમાં સર્વે દરમિયાન કરવામાં આવેલી વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે. તેમજ વાદી, પ્રતિવાદી અને વાંધો ઉઠાવનારના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોર્ટમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર હતો. હવે તમામની નજર સિવિલ કોર્ટના આગામી પગલા પર છે. કોર્ટ આ રિપોર્ટનો અભ્યાસ કરશે અને વધુ સુનાવણી માટે રૂપરેખા તૈયાર કરશે.
