કોંગ્રેસના નગરસેવકો ફાયર સિલિન્ડર સાથે બેઠકમાં કરવાના હતા પ્રવેશ વિજિલન્સની સતર્કતાથી આવ્યા રોકવામાં
વિજિલન્સ તપાસની રજૂઆત : મલેરિયા વિભાગની કામગીરીના પ્રશ્ર્નમાં જ એક કલાક કરાઇ પૂર્ણ
રાજકોટ, તા..19
ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના નગરસેવકો ફાયર સિલિન્ડર લઈને પહોંચ્યા હતા જ્યાં તેઓ પાસેથી તે તમામ વસ્તુઓ લઈ ત્યારબાદ જ જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અકસ્માત અને અસલામત સ્થિતિ માટે પોતાની સુરક્ષા ને લઈ જાતે બાટલો લઈને આવ્યા હતા અને સ્પ્રે કરીને પ્રતિક વિરોધ પણ કર્યો હતો પરંતુ વિજિલન્સ પોલીસની સતર્કતા બાદ બોટલ લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ જ સભામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મલેરિયા અંગે શું કામગીરી રાજકોટના તમામ બોર્ડમાં કરવામાં આવી તેના જ્યારે જવાબ આપવામાં આવતા હતા તે દરમિયાન વિપક્ષે નેતા વશરામ સાગઠીયા પૂર્વ નેતા ભાનુબેન સોરાણી તથા કોમલબેન ભારાએ બોર્ડમાં હાજર રહી અનેકવિધ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મેયરને રજૂઆત કરી હતી અને પોતાનો વિરોધ નોંધાયો હતો પરંતુ શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા અને તું તું મેં મેં થતા માત્ર એક જ પ્રશ્નમાં બોર્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ મેયરને એટલાન્ટિસ આગ દુર્ઘટના અને કેલેન્ડર કાર્ડ અંગે ચર્ચા કરવા રજૂઆત કરી હતી પરંતુ સત્તાધીશો દ્વારા માત્ર જે પ્રશ્નોનો જવાબ આપવામાં આવતો હતો તે કામગીરીને યથાવત રીતે ચાલુ રાખવા જણાવાયું હતું.
મહત્વનું એ છે કે મલેરિયા શાખાની કામગીરી માં જે લાંબા જવાબ વચ્ચે રાજકોટના બે-બે અગ્નિકાંડ, તંત્રની બેદરકારી, ખુદ મહાપાલિકા કચેરીમાં પૂરતા ફાયર સાધનો અને એનઓસી ન હોવા મામલાની ચર્ચા માંગી હતી. સભા અધ્યક્ષ પાસે માત્ર બે-પાંચ મીનીટ માટે ચર્ચાનો સમય માંગ્યો હતો જે આપવામાં ન આવતા અંતે ફરી એક પ્રશ્નના જવાબમાં જ બોર્ડ પુરૂૂ થયું હતું.
બાકીના પ્રશ્નોના જવાબ હવે કોર્પોરેટરોને લેખિતમાં મળશે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ની તબિયત નાદુરસ થવાના કારણે તેમના વતી નાયબ કમિશનર ચેતન નંદાણીયા સભ્ય મંજુબેન કુગસિયાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. મ્યુનિ.કોર્પોરેશન હેઠળના આરોગ્ય કેન્દ્રોમાં લોલંલોલ ચાલતું હોવાની ચોંકાવનારી ફરિયાદ જનરલ બોર્ડના સભાખંડમાં ખુદ ભાજપના કોર્પોરેટરે કરતા ખળભળાટ મચ્યો છે. પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવાએ આરોગ્ય અધિકારી પર તડાપીટ બોલાવી હતી. તો કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયાએ આયુષ્યમાન કાર્ડ માટે લોકો હેરાન થતા હોવાની લાગણીનો પડઘો પાડયો હતો.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રહ્યા ઉપસ્થિત
રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા બે મહિના પહેલા ગાંધીનગર ખાતે ઇજાગ્રસ્ત થતા તેઓ વિધાનસભાની કામગીરીથી દૂર રહ્યા હતા પરંતુ ગઈકાલના આગલા દિવસે તેઓ વિધાનસભામાં પણ હાજર રહ્યા હતા અને ગઈકાલ સવારે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જીપીએમસી એક્ટ મુજબ કોઈપણ કોર્પોરેટર સતત ત્રણ બોર્ડ બેઠકમાં ગેરહાજર ન રહી શકે અને જો આવું બને તો તેઓને પદ પરથી ગેરલાયક ઠેરવવાનો પણ નિયમ હોય છે ત્યારે ખાસ ભાનુબેન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને બોર્ડ બેઠકની કાર્યવાહીમાં 10 થી 15 મિનિટ રોકાઈને તેઓ ચાલ્યા ગયા હતા
તમામ છ દરખાસ્ત મંજુર : છ કોર્પોરેટર રહ્યા ગેરહાજર
મહાપાલિકાની આજની સામાન્ય સભામાં કુલ 72 પૈકી 6 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના એક, ભાજપના પાંચ સભ્યોએ રજા રીપોર્ટ મૂકયા હતા. મકબુલભાઇ દાઉદાણી, ભાજપના ડો.દર્શિતાબેન શાહ, અનિતાબેન ગોસ્વામી, ભારતીબેન પાડલીયા, સુરેશભાઇ વસોયા, દિલીપભાઇ લુણાગરીયાએ રજા રીપોર્ટ મોકલ્યા હતા. આ રીતે ચૂંટાયેલા 72 પૈકી 66 સભ્યો હાજર રહ્યા હતા. બોર્ડના મુખ્ય એજન્ડા પર રહેલી તમામ 6 દરખાસ્ત, આવાસ યોજનામાં દંડની નવી નીતિની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત તથા સુનિતા વિલિયમ્સને અભિનંદન આપતો ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
આરોગ્ય અધિકારીએ સમયાંતરે કેન્દ્રોની લેવી જોઈએ મુલાકાત
ગઈકાલે યોજાયેલી જનરલ બોર્ડ બેઠકમાં વોર્ડ નંબર 17 ના નગરસેવક વિનુભાઈ ઘવાએ આરોગ્ય કેન્દ્રનો મામલો મધ પ્રશ્નોત્તરીમાં જ મુક્યો હતો તેઓએ આક્ષેપ લગાવ્યો કે વોર્ડ નંબર 18 માં જુદા જુદા આરોગ્ય કેન્દ્રો સંપૂર્ણપણે રેઢા પડ અને લોલમલોલ ચાલે છે અને દહીંની પણ છે ત્યારે દવાખાનાઓમાં અનેક પ્રકારની સુવિધાઓ જે હોવી જોઈએ તે પણ મળતી નથી ત્યારે આરોગ્ય અધિકારીએ આ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ તો જ સાચી વાસ્તવિકતા ખ્યાલ આવશે સાથોસાથ તેઓએ આ અંગે વિજિલન્સ તપાસ કરાવવા માટેની પણ માંગ કરી હતી જેમાં વિપક્ષી સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.
