ન્હાવાની મજા જીવલેણ બની: દસ વર્ષના ટેણીયાનું ખાડામાં ડૂબી જતાં મોત
લોધીકાના તરાવડા ગામે બનાવ: બાજુના ખાડામાં ન્હાઇ રહેલા તેના મિત્રો બચી ગયા: મજુર પરિવારમાં કલ્પાંત
રાજકોટ: ઉનાળાની ગરમીમાં લોકો બહાર નદી, તળાવો, સ્વીમીંગ પૂલ કે પછી ખાડાઓમાં ન્હાવાની પોતાની ઇચ્છાને રોકી શકતા નથી. જો કે ઘણીવાર આવી ઇચ્છા જોખમકારક બની જતી હોય છે. ખાસ કરીને બાળકો જાહેર સ્થળોએ અજાણ્યા નદીનાળા, તળાવોમાં ન્હાવા પડે તો ઘણીવાર ડુબી જતાં હોય છે. આવો જ એક કરૂણ બનાવ બન્યો છે. જેમાં લોધીકાના હરિપર તરાવડા-ચીભડા ગામે રહેતાં દસ વર્ષના બાળકનું પાણીના ખાડામાં ન્હાવા જતાં ડુબી જવાથી મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
વિગતો પર નજર કરીએ તો લોધીકાના હરિપર તરાવડા ગામેની સીમમાં રહેતાો એક બાળક પાણી ભરેલા ખાડામાં ડુબી ગયાની જાણ થતાં સરપંચ દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર યોગેશ જાની, લીડીંગ ફાયરમેન નરેન્દ્રસિંહ, ફાયરમેન અજયભાઇ મકવાણા, ગોૈતમભાઇ મેટાળીયા, વિજયભાઇ સોહલા, યિપુષભાઇ વડાલીયા, જયભાઇ વાળા, મગનભાઇ રાવલીયા, પરવેઝભાઇ સહિતે પહોંચી ખાડામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતાંમૃત્યુ પામનાર બાળકનું નામ દિનેશ લાલુભાઇ મખોડીયા હોવાનું અને તે દસ વર્ષનો હોવાનું ખુલ્યું હતું.આ બાળકના માતા-પિતા સહિતના પરિવાર સાથે તરાવડામાં રહેતાં હોવાની જાણ થતાં પોલીસે તેમને બોલાવ્યા હતાં અને કાર્યવાહી કરી હતી. બાળકના માતા-પિતા છુટક મજૂરી કરે છે. માસુમ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. લોધીકા પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દિનેશ અને બીજા ત્રણેક મિત્રો પણ ન્હાવા ગયા હતાં. તેના મિત્રો જે ખાડામાં ન્હાવા ગયા હતાં તે ઉડો નહોતો, જ્યારે દિનેશ જેમાં પડ્યો હતો તે ખાડો ઉંડો હોઇ તેડુબી ગયો હતો. દિનેશ બહાર ન આવતાં મિત્રોએ ઘરે જઇને જાણ કરતાં પરિવારજનોએ સરપંચને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બાળકની શોધખોળ કરી હતી પરંતુ તેનો મૃતદેહ જ મળતાં પોલીસને જાણ કરી હતી.
