અલ્પેશ દોંગા એન્ડ કાું ખેડૂતની જમીન કરી ગયા ઓહિયા

રાજકોટના મની પ્લસ મંડળીના સંચાલક દોંગાનું વધુ એક કારસ્તાન : પોલીસે પાંચ જણા સામે ફ્રોડ, મનીલેન્ડ, કાવત્રાનો ગુનો નોંધ્યો

વાંકીયાના ખેડુતે 21 લાખ વ્યાજે લઇ 30 લાખ ચુકવ્યા: સિક્યુરીટી પેટે ખેડુતે આપેલો પેન્ડીંગ દસ્તાવેજ વેંચાણ દસ્તાવેજમાં ફેરવી બારોબાર જમીન વેંચી મારી વધુ 70 લાખ માંગ્યા: જમીન ખાલી કરાવવા ભરવાડને હવાલો આપ્યો : રાજકોટના જયેશ રામજી ભાલારા, ધર્મેશ મીઠા ઠેસીયા તેમજ ચંદુ ભીખા સોરઠિયાને શોધતી પોલીસ

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.25
વ્યાજખોરીના કિસ્સા અવાર-નવાર સામે આવતાં હોય છે. દરમિયાન રાજકોટના એક વ્યાજખોરે ધ્રોલના વાંકીયા ગામના ખેડુતને કાવત્રુ ઘડી વ્યાજખોરીમાં ફસાવી તેને તેની ખેતરની જમીન પર 21 લાખ વ્યાજે આપી તેની સામે 30 લાખ વસુલી લઇ ખેડુતની જાણ બહાર તેની જમીન બારોબાર વેંચી નાંખી જો પાછી જમીન જોઇતો હોય તો વધુ 70 લાખ આપવા પડશે તેમ કહી જમીન ખાલી કરાવવા હવાલો આપી ધમકીઓ અપાવતાં તાલુકા પોલીસે આ મામલે પાંચ જણા સામે એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે.
કાવત્રુ, ઠગાઇ, ધમકી, મનીલેન્ડ એક્ટની કલમો હેઠળ દાખલ થયેલી આ ફરિયાદની વિગતો પર નજર કરીએ તો આ બનાવમાં તાલુકા પોલીસે ધ્રોલના વાંકીયા ગામે રહેતાં છેતાલીસ વર્ષના ખેડુત જયસુખભાઇ મોહનભાઇ ભીમાણીની ફરિયાદ પરથી રાજકોટના અલ્પેશ દોંગા, નૈમિષ રામાણી, ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના નારણ ભરવાડ અને મોરબીના પુરીબેન ભરવાડ વિરૂધ્ધ મનીલેન્ડ, ફ્રોડ, ધમકી હેઠળ ગુનો દાખલ થયો છે. છેતરાયેલા-ભોગ બનેલા જયસુખભાઇ ભીમાણી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં મારે ધંધાકીય કામ માટે પૈસાની જરૂર પડતાં 15/7/22ના રોજ રાજકોટના નાના મવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી મંડળી ધરાવતાં અલ્પેશ પાસેથી રૂા. 21 લાખ 2 ટકા વ્યાજે લીધા હતાં.
આ રકમ મને વ્યાજે આપવા સામે અલ્પશેને મેંં તેના કહેવા મુજબ સિક્યુરીટી પેટે જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરી આપવાનું કહેતાં મેં હા પાડતાં તેણે મને પ્રથમ પાચ લાખ રોકડા આપ્યા હતાં. એ પછી મેં 27/7/22ના રોજ મારી વાંકીયા ગામની જમીન રે.સ.નં. 119ની ખેતની જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ નૈમિષ બાબુભાઇ રામાણી-રાજકોટના નામે કરી આપ્યો હતો. જેમાં સાક્ષી તરીકે મારા દિકરા પ્રશાંત અને પાર્થએ સહીઓ કરી હતી. નૈમિષે દસ્તાવેજમાં જણાવેલી રકમ રૂા. 6,51,000નો મને ચેક આપ્યો હતો. દસેક દિવસ પછી અલ્પેશે મને પોતાની ઓફિસે બોલાવી રૂા. 9,49,000 રોકડા આપ્યા હતાં. આ રીતે વ્યાજે લીધેલી રકમ ઉપર મેં ત્રણ મહિના સુધી બે ટકા લેખે વ્યાજ ચુકવ્યું હતું. એ પછી હું વ્યાજની રકમ ચુકવી શકતો નહોતો. એકાદ વર્ષ બાદ અલ્પેશે મને વ્યાજે આપેલી રકમ મને પાછી આપવાનું કહેતાં મેં 16/10/22ના રોજ તેને રોકડા રૂા. 15 લાખ અને 19/10/23ના રોજ બીજા રોકડા 15 લાખ મળી કુલ 30 લાખ ચુકવી દીધા હતાં.
તે વખતે મારી સાથે મારા દિકરાઓ, તેમજ કરસનભાઇ જાવીયા, મહેશભાઇ સંતોકી, રાજેશભાઇ ગડારા, જેન્તીભાઇ ભીમાણી સહિતના હાજર હતાં. આ બધાની હાજરીમાં મેં અલ્પેશને ત્રીસ લાખ દીધા હતાં. પરંતુ અલ્પેશ અને નૈમિષે મને 21 લાખ વ્યાજે આપવાના બહાને વિશ્ર્વાસમાં લઇ સિક્યુરીટી પેટે મારી પાસે પેન્ડીંગ દસ્તાવેજને બદલે રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હોઇ અને બદલામાં મારી પાસેથી 9 લાખ જેટલુ ઉંચુ વ્યાજ પણ વસુલ કર્યુ હોઇ મેં તેને કુલ 30 લાખ ચુકવી દીધા પછી મારી જમીનનો દસ્તાવેજ મને પાછો કરી આપવાનું કહેતાં આ બંનેએ દસ્તાવેજની રકમ પેટેના 6,51,000 ચેકથી ચુકવવા પડશે તો જ તમારી જમીનનો દસ્તાવેજ કરી આપશું તેમ કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી.
મેં હા પાડતાં તેણે મને મારી જમીનનો દસ્તાવેજ પરત કરી આપવા માટે અલગ અલગ તારીખો આપી હતી અને સબ રજીસ્ટ્રાર કચેરીના ટોકન આપ્યા હતાં. પરંતુ જે તે તારીખોએ અલ્પેશ કે નૈમિષ સબ રજીસ્ટ્રાર કચેરીએ હાજર રહય નહોતાં. આ પછી મેં અલ્પેશને તેને ચુકવી દીધેલી રકમનું લખાણ કરી આપવાનું કહેતાં તેણે 20/12/23ના રોજ રૂા. 300ના સ્ટેમ્પ ઉપર સમજુતી કરારનું લખાણ કરી આપેલું જેમાં તેણે રૂા. 6,51,000 દસ દિવસમાં પરત ચુકવી આપ્યેથી તે મારા અથવા મારા કુટુંબીજનોના નો દસ્તાવેજ કરી આપશે તેવી પાકી બાહેંધરી આપી હતી. પરંતુ એ પછી પણ અલ્પેશ અને નૈમિષને મેં વારંવાર દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં તેણે ન કરી આપી-હવે તમારે જમીન પાછી જોઇતી હોય તો વધારાના 70 લાખ આપવા પડશે તેમ કહી દીધુ હતું.
જયસુખભાઇએ આગળ જણાવ્યું હતું કે મારી પાસે આટલી મોટી રકમ નથી તેમ મેં કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ તો હવે જમીન ભુલી જજો તેમ કહ્યું હતું. આથી મેં તેને હું રૂપિયાની વ્યવસ્થા કરીશ તેમ કહ્યું હતુ. ત્યારબાદ હું તેને વધારાની રકમ જે તેણે માંગી હતી તે ચુકવવા તૈયાર થયો છતાં દસ્તાવેજ કરી આપ્યો નહોતો. દસ્તાવેજ નૈમિષના નામનો હોઇ તેણે મને 11 માસ માટે જમીન વાવવા આપી છે તેવો કરાર કરાવી લીધાની વાત કરી હતી. 20/4/24ના રોજ ધ્રોલ બસ સ્ટેશન સામે ચાની દૂકાન ધરાવતાં ભુરા નાગજીભાઇ ભરવાડે રાતે બારેક વાગ્યે મારા ખેતરે આવી મારા મજૂરોને ધમકાવી કહેલુ કે-તારા માલિકને કહેજે આ જમીન મેં લઇ લીધી છે, હવે જમીન પર પગ ના મુકે. બાદમાં બીજા દિવસે બપોરે ભુરો ભરવાડ પાછો મારા ખેતરે આવેલો અને જમીન મેં લઇ લીધી છે કહી મારી સાથે માથાકુટ કરી હતી અને ધમકી આપી હતી. એ પછી મને 30/6/24ના રોજ જાણવા મળેલુ કે નેમિષે મારી જાણ બહાર મારી આ જમીન પુરીબેન જીવણભાઇ ભરવાડને વેંચી નાખી છે.
મેં નૈમિષ અને અલ્પેશને અવાર-નવાર મારી જમીન બાબતે કહેતાં તેણે કહેલુ કે-તમે વધારાના 70 લાખ ચુકવ્યા નથી એટલે અમે તમારી જમીન વેંચી નાખી છે, હવે જો તમારે દસ્તાવેજ કરાવો હોય તો અમને 70 લાખ આપો, તે અમારા જ માણસો છે, તમને દસ્તાવેજ કરી આપશે. એ પછી ભુરા ભરવાડે એકાદ બે વખત મારા ખેતરે આવી કહેલુ કે તમારી જમીન મારા સગા નારણભાઇ ભરવાડે ખરીદી છે, તેનો દસ્તાવેજ પુરીબેનના નામે છે. મને આ જમીન ખાલી કરાવવાનો નારણભાઇએ હવાલો આપ્યો છે તેમ કહી ફરીથી જમીન ખાલી કરી દેવા ધમકી આપી હતી. ખેડુત જયસુખભાઇ ભીમાણીએ અંતમાં જણાવ્યું છે કે મેં ખેતીની જમીન પર અલ્પેશ દોંગા પાસેથી 21 લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હોઇ તેણે સિકયુરીટી પેટે કાવત્રુ ઘડી મારી જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરાવવાને બદલે નૈમિષ રામાણાના નામનો વેંચાણ દસ્તાવેજ કરાવી લઇ તેમજ અગિયાર માસનો વાવણી કરાર કરાવી લીધો હતો.
ખેડુતે આગળ જણાવ્યું હતું કે મેં 21 લાખ સામે તેને વ્યાજ તેમજ 30 લાખ રોકડા ચુકવી દીધા છતાં તેણે વધુ 70 લાખ માંગી મારી જમીન બારોબાર બીજાને વેંચી દીધી હતી અને જમીન ખરીદનાર વતી ધ્રોલના શખ્સે હવાલો લઇ મારી જમીને આવી જમીન ખાલી કરવાનું કહી ધમકીઓ આપતાં અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. મારા ભાઇ જેન્તીભાઇ ભીમાણીને કેન્સરની બિમારી હોઇ અમારે તેમની સારવાર માટે સતત અમદાવાદ, રાજકોટ જવા આવાવનું થતું હોઇ તેના કારણે આ ફરિયાદ મોડી કરી હતી. અગાઉ અમે ધ્રોલ સબ રજીસ્ટ્રાર કચેરી અને રાજકોટ પોલીસ કમિશનરે અરજીઓ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગા વિરૂધ્ધ અગાઉ પણ એકના ડબલ કરી દેવાની લાલચ આપી રોકાણકારોના રૂપિયા ખાઇ જવાની અરજી-ફરિયાદ થઇ હતી. અલ્પેશ આણી મંડળી સામે વધુ એક ગુનો દાખલ થતાં પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. હરીપરા અને સ્ટાફે વિશેષ તપાસ શરૂ કરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:22 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech