યોગ્ય જાળવણી અને સમયાંતરે તપાસ કરવામાં આવી હોત તો ડીસમેન્ટલ ન થાત : અધિકારીઓ પણ સેવી રહ્યા છે ચુપકીદી
શહેરમાં પાંચ રેન બસેરા કાર્યરત : છતાં કરવામાં આવશે એક થી બે ને ડીશમેન્ટલ
રાજકોટ, તા. 23
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાંધકામ કામદારો અને મજૂરોના જીવનધોરણમાં સુધારણા લાવવા માટે “શ્રમિક બસેરા યોજના” શરૂ કરવામાં આવી છે. ગુજરાત શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્ય સરકાર વિવિધ આવાસોનું નિર્માણ કરશે જ્યાં મજૂરો અને બાંધકામ કામદારો ને રહેવાની સુવિધા મળશે. આ કેન્દ્રોમાં એક દિવસ રહેવા માટે નાગરિકોને માત્ર 5 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.ગુજરાત સરકારે જણાવ્યું છે કે સુવિધાઓ તૈયાર થયા પછી, આ શ્રમિક બસેરા યોજના થી લગભગ 15,000 બાંધકામ કામદારોને લાભ મળશે. આ યોજના અમલી બનાવવા માટે રાજ્ય સરકાર કુલ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા વિચાર કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવીન યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના બાંધકામ કામદારો અને અન્ય શ્રમિકોને સસ્તું અને સુવિધાજનક આવાસ પૂરું પાડવાનો છે.
સારા હેતુથી રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો કે જેઓને પોતાનું આશ્રય ન હોય તેવો કોઈ પણ સમય સુધી રેન બસેરામાં રહી શકે છે પરંતુ સરકારની આ યોજના જે હેતુ માટે હાથ ધરવામાં આવી હતી તે હેતુ ખરા અર્થમાં પરિપૂર્ણ થયો ન હોવાનું માલુમ પડી રહ્યું છે. મહત્વનું એ છે કે જો આ નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હોત અને આયોજન થયું હોત તો આ યોજનાને ઘણો સારો પ્રતિસાદ પણ મળત રાજકોટ મહાનગરપાલિકાની સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા ઉભા કરવામાં આવેલા છે પરંતુ તેની સાર સંભાળ અને સાચવણી અંગે જો વાત કરવામાં આવે તો કોઈ વિભાગને રસ ન હોય તેવા એક નહીં અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા રેન બસેરા શરૂ કરવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો તેની પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે જે ફૂટપાટ ઉપર સુતા હોય અથવા તો રેલવે સ્ટેશન પર સુતા હોય તેઓને યોગ્ય વ્યવસ્થા જોવા માટે એટલે કે આરામ કરવા માટે મળી રહે તે માટે આ ખાસ યોજના ની અમલવારી શરૂ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જે હેતુ સિદ્ધ થવો જોઈએ તે હજુ સુધી સિદ્ધ થયો નથી. એટલું જ નહીં જે જાગૃતતા હોવા છતાં લોકો રેન બસેરામાં આવવા તૈયાર થતા નથી તેની પાછળનું શું કારણ તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ સહિત અનેકવિધ મોટા શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા રેન બસેરા ઉભા કરવામાં આવેલા છે ત્યારે આ યોજનાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈએ તે ખૂબ જરૂરી છે.
ગુજરાત શ્રમિક બસેરા યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં કામ કરતા કામદારોને કામચલાઉ મકાનો આપવાનો છે. જેથી બાંધકામ મજૂરોને તેમના કામના સ્થળની નજીક કામચલાઉ આવાસ ઉપલબ્ધ કરાવી શકાય કારણ કે કામદારોને તેમના કામના સ્થળે પહોંચવામાં વધુ સમય લાગે છે અને વધતી જતી મોંઘવારીને કારણે મિલકત અને રૂમના ભાડામાં પણ વધારો થયો છે, જેના કારણે તેમની ઘણી સમય અને પૈસા વેડફાય છે અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હજુ આ રેડ બશેરા યોજના માટે જે મિલકતો ઊભી કરવામાં આવી છે તેની જાળવણી યોગ્ય રીતે થતી નથી ઊલટું જે લાભ મળવો જોઈએ તે લાભાર્થીઓને પૂરતો લાભ પણ મળતો ન હોવાનું તજજ્ઞ જણાવી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું તે ખૂબ જરૂરી છે એના આ માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવે એ પણ એટલા જ આવશ્યક છે. રાજકોટના રેન બશેરાની વાત કરવામાં આવે તો પાંચ જગ્યા ઉપર રેન બસેરા ઉભા થયેલા છે જેમાં બેડી નાકા, ભોમેશ્વર વાડી, હોસ્પિટલ ચોક, મરચા પીઠ, રામનગર આજી વસાહત અને આજીડેમ ચોક ખાતે રેન બસેરા ઉભા કરવામાં આવ્યા છે જેમાં હાલ આગામી દિવસોમાં બેડી નાકા પાસે આવેલું રેન બસેરા ડીસમેન્ટલ કરવામાં આવે તેવી વાત હાલ થઈ રહી છે.
પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આ તમામ રેન બશેરાનું એક વખત નહીં સમયાંતરે તપાસ કરવી જોઈએ જો તપાસ કરવામાં આવશે તો સત્ય હકીકત માલુમ પડશે કે ખરા અર્થમાં રેન બશેરાની શું પરિસ્થિતિ છે એટલું જ નહીં લોકો રેન બસેરામાં આવે છે કે કેમ અને નથી આવતા તો કયા કારણોસર નથી આવતા એ પણ જાણવા મળશે. હાલ આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. હાલ લોકોના જણાવ્યા અનુસાર અને તજજ્ઞોના માનવા મુજબ રાજકોટમાં આવેલા બેડીનાકા પાસેના રેન બસેરા હાલ અત્યંત બીસમાર અને જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે અને અહીં એક પણ પ્રકારની એ વ્યવસ્થા નથી કે જરૂરિયાતમંદ લોકો અહીં આશ્રય મેળવે. સંબંધિત વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ અંગે ડિસમેન્ટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે જગ્યા ઉપર હાલ રેડ બશેરા બનેલું છે તેની સામેના વિસ્તારમાં જ ફરી એક ઉભુ કરવામાં આવશે ત્યારે લોટ પાણીને લાકડા કરવા માં સહેજ પણ મહાનગરપાલિકાને શંકા અથવા તો શરમ આવતી નથી. જો હાલની જે જગ્યા બની ગઈ છે સ્લેબમાંથી સળિયા દેખાવા માંડ્યા છે તે તમામને જો યોગ્ય રીતે રીપેર કરી દેવામાં આવે તો આ જ રેન બસેરા ફરી નવું બની શકે. પરંતુ કોર્પોરેશનને આ અંગે સહેજ પણ ગંભીરતા નથી કારણકે આ વિષય જાણે મહાનગરપાલિકાને સ્પર્શ તો ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા હસ્તકના રેન બસેરામાં અનેકવિધ જગ્યાઓ સંપૂર્ણ ખખડધજ જોવા મળી રહી છે તો ઘણા ખરા રેન બસેરા ખૂબ સારા બનાવવામાં આવ્યા છે પરંતુ જેની યોગ્ય જાળવણી અને સાચવણી થવી જોઈએ તે થઈ શકતી નથી. ઊલટું તે જાગૃતતા કેળવવામાં આવી જોઈએ તે પણ ક્યાંક ને ક્યાંક કેળવવામાં આવતી ન હોવાનું હાલ તજજ્ઞ જણાવી રહ્યા છે. સંબંધિત વિભાગના અધિકારી પાસે એ જવાબ પણ નથી કે હાલ મહાનગરપાલિકા હસ્તકના પાંચ રેન બસેરામાં કેટલા લોકો વસવાટ કરે છે આ અંગે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું તો તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા એક વખત નહીં અનેક વખત લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે જેથી તેઓ ફૂટપાથ ઉપર નહીં પરંતુ યોગ્ય જગ્યાએ આરામ કરે પરંતુ મહાનગરપાલિકાનું માનવું છે કે લોકોને રેન બસેરામાં આવું નથી.
નવા રેન બસેરા ઉભા કરવાની બદલે ખખડધજ હાલતમાં જે છે તેને બનાવવા જોઈએ નવા, લોકોની માંગ
રેન બસેરાનો મુખ્ય ઉદ્દેશ્ય
શ્રમિકોને ઓછા ભાડે રહેવાની જગ્યા મળે.
શ્રમિકો માટે સુરક્ષિત અને સ્વચ્છ રહેવાની જગ્યા મળે.
શ્રમિકો અને તેમના પરિવારોનું જીવનધોરણ સુધરે.
ગુજરાતમાં વધુને વધુ લોકો કામ કરવા આવે.
મેયરે પણ આપ્યા ગોળ-ગોળ જવાબ
રેન બશેરાને લઈ જ્યારે શહેરના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે આ સરકારની ખૂબ સારી યોજના છે પરંતુ રાજકોટમાં કેટલા રેન બસેરા છે અને તેની શું પરિસ્થિતિ છે તે માટે તમે કચેરીએ આવો તો હું તમને માહિતી પૂરી પાડીશ. જ્યારે મેરને જ આ અંગે ખ્યાલ ન હોય તો અન્ય અધિકારીઓ પાસેથી શું અપેક્ષા રાખવી તે હવે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.
બેડીનાકા ખાતે આવેલું રેન બસેરા સંપૂર્ણ ખખડધજ
બેડી નાકા પાસે આવેલા રેન બશેરાની હાલત અત્યંત દૈન્ય અને કપોડી બની ગઈ છે બારી તૂટી ગઈ છે, છતમાંથી પોપડા પડી ગયા છે, છતમાંથી સળિયા દેખાવા માંડ્યા છે ત્યારે આટલી ખરાબ હાલત થઈ ગઈ હોવા છતાં કેમ મહાનગરપાલિકા તેની મરામત કરાવતું નથી ઊલટું હાલ જે જગ્યા પર રેન બસેરા છે તેની સામે જ નવું રેન બસેરા ઊભું કરવાની વાત મહાનગરપાલિકા કરી રહ્યું છે ત્યારે આ પ્રજાના કરના પૈસા ઉપર કેમ દોષ બોલાવવામાં આવી રહી છે તેવું તજજ્ઞ પૂછી રહ્યા છે. એટલું જ નહીં આ નિમ્ભર તંત્ર કેમ રૂપિયાનો વ્યય થાય તે દિશામાં જ કાર્ય કરી રહ્યા હોવાનું પણ તજજ્ઞ જણાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે જો આ બિલ્ડીંગ ને ફરી મરામત કરી દેવામાં આવે અથવા તો રીપેર કરી દેવામાં આવે તો તે રેન બસેરા માટે ફરી ઉપયોગમાં લઈ શકાશે પરંતુ કોઈ પણ કારણોસર મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગના અધિકારીઓ આ દિશામાં વિચાર કરવા માંગતા નથી તે સ્પષ્ટ ચિત્ર ઉભું થયું છે.
ફૂટપાથ ઉપર રાત્રે લોકો સુતા પડે છે નજરે કેમ તેઓને રેન બસેરામાં ખસેડાતા નથી તજજ્ઞોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં અનેકવિધ વિસ્તારોમાં મજૂરો રાત્રે ફૂટપાથ ઉપર સુતા હોય છે ત્યારે આટલા એટલે કે કુલ પાંચ રેન બસેરા રાજકોટમાં હોય અને છતાં તેઓ તેમાં ન રોકાય તો મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય છે. તો બીજી તરફ મહાનગરપાલિકાએ પણ આ દિશામાં વિચાર કરવો ખૂબ જરૂરી છે કારણ કે તેમના દ્વારા જ્યાં સુધી સમજણ પૂરી પાડવામાં નહીં આવે અને જાગૃતતા કેળવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ રેન બસેરામાં જવાનું નથી ઊલટું મહાનગરપાલિકા ઉપર આર્થિક ભારણ વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
