ટ્રમ્પ સામે 34 કેસ છે. એ દોષી પણ ઠર્યા છે. હવે એમને સજા થશે ? એ જેલમાં જશે કે પછી બધા કેસ અટકી જશે અને ટ્રમ્પ પોતાની સામેના બધા કેસ રફેદફે કરી દેશે? શું એ વિરોધીઓ સામે મોરચો માંડશે? અને ભારત સાથે એમની નીતિ કેવી રહેશે? મોદી ટ્રમ્પ મિત્રતા ભારતને ફળશે?
અમેરીકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આશ્ચર્યજનક બહુમતીથી જીત્યા છે. આ વિજય અનોખો છે. કોઈ રાષ્ટ્રપતિ બીજીવાર આટલી બહુમતીથી ચૂંટાઈ એ નાનીસુની વાત નથી. પણ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આટલી હદે વિવાદાસ્પદ વ્યક્તિ ચૂંટાયા હોય એવું પણ પહેલીવાર બન્યું છે. એમની સામે એક નહિ, બે નહિ પણ 34 કેસ છે અને એમાં એ દોષી પુરવાર થયા છે. કેટલાક કેસમાં સજાની જાહેરાત બાકી છે. અને એવું થશે કે, રાષ્ટ્રપતિ બન્યા એટલે બધા ગુના માફ…એવું થશે જેવું બીજે બધે થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે ચૂંટાયા અને એમને સ્વીંગ સ્ટેટમાં પણ બહુમતી કેમ મળી, બેફામ અને કોઈ રીતે ગળે કે દિમાગમાં ના ઉતરે એવા નિવેદનો કરનારા ટ્રમ્પ કેમ ચૂંટાયા? આ વિષે વિશ્ર્લેષણ થઇ રહ્યા છે, થતા રહેશે. એવી ય ચર્ચા શરૂ થઇ ગઈ છે કે, કે ટ્રમ્પ સરકાર હવે કેવા નિર્ણયો લેશે. વિશ્વમાં ચાલતા યુદ્ધ અટકશે ખરા? ભારત સાથે અમેરિકાનો વ્યવહાર કેવો હશે? ચીન પર તવાઈ આવશે ? આવા બધા પ્રશ્નોનાં જવાબ મેળવવા દુનિયા બેતાબ છે.
સૌથી મહત્વની વાત એ છે કે, એમની સામે જે કેસ ચાલે છે એમાં સજાની જાહેરાત થશે કે બધા ટકી જશે? ટ્રમ્પ હજુ રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત થાય એ માટે સમય છે. જાન્યુઆરી 2025માં એ સત્તાના સુત્રો સંભાળશે. તો શું હવે ટ્રમ્પ સામેના બધા કેસ અટકી જશે? અને અટકી ગયા તો એ રાષ્ટ્રપતિ પદે બીજારમાન થશે ત્યારે તો એ પોતાના સામેના કેસ ખતમ કરી દેશે એ નિશ્ચિત છે. પણ એ પહેલા કોઈ જજ સજા સંભળાવશે તો શું ટ્રમ્પ જેલમાં જઈ શકે છે?
અમેરિકા વિશ્વની ભારત પછીની બીજી મોટી લોકશાહી છે. અને એ એની લોકશાહી અને એના મુલ્યો માટે જાણીતો છે. પણ રાષ્ટ્રપતિ પાસે અમર્યાદ સત્તા હોય છે અને એ પ્રમાણે ટ્રમ્પ પોતાના સામેના કેસને રફેદફે કરી શકે છે. એની સામે કોઈ નાના કેસ નથી પણ ગંભીર આરોપો છે. હશ મની કેસમાં એ દોષિત ઠરી ચુક્યા છે. સજા મળવી બાકી છે. એક પોર્ન સ્ટારને નાણા ચૂકવવાનો કેસ છે. આ ઉપરાંત 2020માં પરિણામ પલટી નાખવા મુદે કેસ છે. કેપિટલ હિલ પર એના સમર્થકોએ હલ્લો કરેલો અને સંસદમાં જઈ તોડફોડ કરી હતી અને ટ્રમ્પ એ તમાશો જોતા રહ્યા હતા. આ કેસ સૌથી ગંભીર ગણાવો જોઈએ. કારણ કે એમના ભાષણ બાદ 2000 લોકોએ હલ્લો કર્યો હતો.
વેપારમાં ફ્રોડનાં કેસ છે. આવા કૂલ 34 કેસ છે. એ ઉપરાંત એમના કાર્યકાળનાં ગુપ્ત દસ્તાવેજો એમણે પોતાના ઘર ‘માર એ લોગો’માં ગેરકાયદે રાખ્યા હતા. એનો કેસ છે. જો કે, ટ્રમ્પ આ વાતે ઇનકાર કરી ચુક્યા છે.
આટલું જ નહિ એમની જીભ બેકાબૂ રહી છે. એમણે 100 વાર તો ધમકીઓ આપી છે. એમાં વર્તમાન જો બાઈડેનને જ 25 વાર ધમકીઓ આપી છે. અને કમલા હેરીસ વિષે ઉતરતા શબ્દો કહ્યા છે, એમના પર મહાભિયોગ ચાલવો જોઈએ. કાયદાકીય કાર્યવાહી જોઈએ. એમના વિષે આકરી ભાષામાં લખનારા પત્રકારોને જેલમાં ધકેલી દેવાની ધમકી પણ આપી ચુક્યા છે.
ટ્રમ્પ એમના પહેલા કાર્યકાળમાં પણ વિવાદાસ્પદ રહ્યા છે. વારેવારે જુઠાણા ચલાવતા હતા. અને કેટલાક અખબારોએ એમણે કેટલા જુઠાણા કહ્યા એની યાદી પણ છાપી હતી. કોરોના કાળમાં એમણે જે કહ્યું એ તો માથામેળ વિનાનું હતું. એમણે એમ પણ કહ્યું કે, નર્સોમાં બ્લીચ ઇન્જેક્શન આપી દેવા જોઈએ. 2019માં એમણે ડીનર યોજેલું અને એમાં બર્ગર અને ફ્રેંચ ફ્રાઈસ મહેમાનોને ખવડાવ્યા હતા. 2017માં નાટો અધિકારીને ધક્કે ચઢાવ્યા હતા. 2018માં આફ્રિકી દેશોને ગાળ આપી હતી અને પછી ફરી ગયા હતા.
અને હવે એ જંગી બહુમથીથી ચૂંટાયા છે એટલે વિરોધીઓ સામે આકરા પાણીએ થશે. અને પહેલા જ ઈન્ટરવ્યુમાં એ કહી ચુક્યા છે કે, એ સ્પેશીયલ કાઉન્સેલ જેક સ્મિથને બે સેક્ધડમાં રવાના કરી શકે છે. આ સમીથ એટલે જેમણે ટ્રમ્પ સામે કેસ માંડ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, શું એ યુપીના યોગી આદિત્યનાથ જેવું કરશે? યોગીજીએ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા બાદ એમની સામેનાં જ અનેક કેસ પાછા ખેંચાવી લીધા હતા. અને હા, વિરોધીઓ સામે એ કેસ માંડશે? જેમ કે, ભારતમાં વિપક્ષો સામે કેસ થાય છે.
અને હા, ભારતને એ મહાન દેશ ગણે છે. નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. અમેરિકામાં રહેતા ભારતીયોને બિરદાવે છે. હિંદુઓની તરફેણ કરે છે. ટ્રમ્પ જ્યારે હાર્યા એ ચૂંટણી પ્રચારમાં અમેરિકામાં હાઉડી મોદી અને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો મોદીજીએ એમની સાથે, એમના માટે કર્યા હતા. પણ ટ્રમ્પ ભારતને વધુ પડતો કર નાખનારો દેશ ગણાવે છે એનું શું? ચીન સામે એ આકરા પાણીએ છે અને ચીનથી આવતી વસ્તુઓ પર ભારે કર નાખવાના છે એ નક્કી છે પણ એ રીતે ભારતથી અમેરિકા જતી ચીજો પર કર વધારશે તો શું? આપણે ઈરાન પાસેથી સસ્તું તેલ લેતા હતા ત્યારે ટ્રમ્પે કેટલાક આકરા પગલા લેવાની વાત કરી ને ભારતે ઈરાન પાસેથી તેલ લેવાનું બંધ કરવું પડ્યું હતું. હવે ભારત રશિયા પાસેથી તેલ લે છે ને બાઈડેન સરકાર સામે ચુક્યું નહિ. બીજું કે, વિઝા નીતિ મુદે પણ ટ્રમ્પ આકરા છે અને એ નીતિ વધુ કડક બનાવશે તો ભારતના લોકોને સમસ્યા થશે, અને ગેરકાયદે રહેતા ભારતીયો સામે પણ પગલાં લેવાશે તો શું ?
અમેરિકા ક્યારેય કોઈની નથી થયું. એમની નીતિઓ બદલાતી રહી છે.
અને બીઝનેસની વાત આવે તો અમેરિકા પોતાનું જ હિત જુએ છે. એ પોતાના શસ્ત્રો વેચવા ગમે તે હદે જઈ શકે છે. મોદી ટ્રમ્પની દોસ્તી ભારતને ફાયદો કરાવે છે કે કેમ એ જોવાનું રસપ્રદ બનવાનું છે. ટ્રમ્પ ભરોસા લાયક છે કે કેમ એ પ્રશ્ન છે. અમેરિકામાં આટલી હદે વિવાદાસ્પદ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદે ચૂંટાય છે એ રીતે અમેરિકાનો નવો ઈતિહાસ આલેખાઈ રહ્યો છે.
