પ્રનગર પોલીસે અમદાવાદના વેજલપુરમાંથી પકડી લીધો : રિમાન્ડની તજવીજ
નકલી દસ્તાવેજ કૌભાંડના ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીના કારસ્તાનની પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવા તેમજ અન્ય તસવીરોમાં પોલીસ સ્ટાફ સાથે આરોપી દેખાય છે
રાજકોટ મિરર, તા.26
શહેરમાં નકલી દસ્તાવેજ બનાવવાના જન્મેલા કૌભાંડો મુખ્ય સુત્રદ્ધારને પ્રનગર પોલીસે અમદાવાદના વેજલપુરમાંથી ઝડપી લઈને તપાસનો ધમધમાટ શરુ કરી તેમની રીમાન્ડની તજવીજ આદરી છે. આજે ઝોન-2 ના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજી પત્રકારોને માહિતી આપી હતી.
મળતી વિગતો મુજબ રાજકોટના જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજના કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની સામે 17 જેટલા બોગસ દસ્તાવેજ બનાવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસને હાથતાળી આપી નાસી ગયો હતો. બીજી બાજુ હર્ષ અમદાવાદમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પ્રદ્યુમનનગર પોલીસની ટીમ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઉઠાવી લઈને તેમને રાજકોટ લાવી છે અને પીઆઈ ડોબરિયા અને તેની ટીમે સઘન પૂછપરછ શરુ કરી છે.
ડીસીપી બાંગરવાએ આશંકા વ્યક્ત કરી હતી આ કૌભાંડમાં અનેક સરકારી અધિકારીઓ સહિત મોટા માથાઓની સંડોવણી ખુલવાની સંભાવના નકારી શકાતી નથી. વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક આધારિત કર્મચારી સહિત ત્રણ શખસોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાની વિગતો અત્યાર સુધીમાં ખુલી છે. અગાઉ જયદીપ ઝાલા અને કિશન ચાવડાની ધરપકડ કરાઈ છે.
અમદાવાદની બીએનએસ એજન્સીના કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાકટ આધારિત કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જ્યારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની અત્યાર સુધી ફરાર હતો.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે સબ રજિસ્ટાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો ઈરાદાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલિટ કરી તેમાં ચેડા કરવામા આવ્યા હતા. ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ ખોટા બનાવેલા દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવી હતી. આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા હતા.
ડીસીપી બાંગરવાએ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે મુખ્ય સુત્રદ્ધાર હર્ષ ભરત સોનીના ઘરે છાપો મારતા ત્યાંથી બોગસ દસ્તાવેજો, સ્ટેમ્પ પેપર, બોગસ રબ્બરસ્ટેમ્પ, લોકોની અનેક સહીવાળા કાગળો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પણ હર્ષ સોની ભાગતો ફરતો હતો જેને વેજલપુરમાંથી ઝડપી લઈને તેમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
