પોરબંદર, ગાંધીધામ સહિત 9 નગરપાલિકાઓને મનપાનો દરજ્જો

રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ : નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ કાર્યરત થશે

રાજકોટ, તા. 1
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 08 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીશ્રીએ કર્યો હતો. આ સંદર્ભમાં આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે. રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.
ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા ગ.અ. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે. સુરેન્દ્રનગર- દૂધરેજ- વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. પોરબંદર-છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહાનગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે. એટલું જ નહિ, સમયાંતરે નવી મહાનગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને રાજ્ય સરકારની સૌનો સાથ, સૌનો વિકાસની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:53 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech