રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થવા જઈ રહી છે. 1995-96 પછી પહેલીવાર ચૂંટણી થવા જઈ રહી છે. સમસ્યા એ નથી પણ જે રીતે ચૂંટણી થઇ રહી છે એ ચિંતાજનક છે. આવું ક્યારેય નાગરિક બેન્કના ઇતિહાસમાં બન્યું નથી. અને એ કારણે બેન્કની જે શાખ બની છે એને નુકસાન થઇ રહ્યું છે. કોઈએ આ વિખવાદ અટકાવવાની જરૂૂર છે. એકવાર મનભેદ થાય પછી વાતાવરણ બગડતું જાય છે. અને સહકારી બેંકનું નાક છે રાજકોટ નાગરિક બેંક એમાં કઈ અનિચ્છનીય બને એ સારી નિશાની નથી.
ગુજરાતમાં ઘણી બધી સહકારી બેંકો છે અને ગુજરાતનું સહકારી માળખું મજબૂત ગણાય છે. કેટલાક કિસ્સા બન્યા છે જેમાં ગેરરીતિઓ થઇ પણ મહદઅંશે આ ક્ષેત્રને લુણો લાગ્યો નથી. અલબત ઘણી બધી બેંકોમાં રાજકારણ ઘૂસ્યું અને એ કારણે સમસ્યાઓ આવી. કેટલાક કૌભાંડો પણ થયા. રાજકોટ નાગરિક બેન્કને લાગેવળગે છે ત્યાં સુધી આ બેન્કની ઈમેજ આજ સુધી અકબંધ રહી છે. એમાં ગાબડું પડે એ કોઈને પાલવવું ના જોઈએ.
રાજકોટ નાગરિક બેન્કનો ઈતિહાસ રોચક છે અને એની શરૂૂઆતનાં ત્રણેક દાયકાઓ સુધી તો એમાં ક્યાંય રાજકારણ પણ આડે આવ્યું નહોતું. 1953માં એની શરૂૂઆત થઇ ત્યારે નગર શ્રેષ્ઠીઓ હતા. ફૂલછાબ દૈનિકની ઓફિસમાં એની પ્રાથમિક બેઠકો થઇ હતી. પહેલા ચેરમેન બન્યા હતા કેશવલાલ અમૃતલાલ પારેખ ને એમડી હતા જન્મશંકર અંતાણી. રૂૂ. 4890નાં ભંડોળથી એની શરૂૂઆત થઇ હતી. એ પી મહેતા, પ્રાણલાલ જોશી, જયમલ પરમાર જેવા અગ્રણીઓ એના પાયામાં હતા. હા, ત્યારે જનસંઘ કે ભાજપનો જન્મ થયો નહોતો. કોંગ્રેસની બોલબાલા હતી. પણ બેંકમાં રાજકારણનો અભાવ રહ્યો હતો. પણ 1966 આસપાસ બેન્કમાં નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદો થયા આજે જેમ થયા છે એમ જ. અને ત્યારે ચીમનભાઈ શુક્લ અને પછી અરવિંદ મણિયાર દાખલ થયા.
અરવિંદ મણિયારનાં આવવાથી બેન્કની પ્રગતિ સડસડાટ થવા લાગી. 1969થી 1975સુધિ એ ચેરમને રહ્યા અને બાદમાં 1983માં પણ ચેરમને બન્યા હતા. અને પછી યુવાનોએ સુકાન સોંપવું જોઈએ એમ કહી અરવિંદભાઈએ બેન્કનું પદ છોડ્યું હતું. બેન્કની આ ગરવાઈ હતી. વજુભાઈ વાળા, કેશુભાઈ પટેલ, વસંતભાઈ ખોખાણી, શશીકાંત મહેતા, શિવલાલ વેકરીયા જેવા મહાનુભાવોએ આ બેન્કને આગળ લઇ જવામાં યોગદાન આપ્યું છે.
અરવિંદ મણિયારને આજે ય બેન્કમાં યાદ કરવામાં આવે છે. અરે! બેંક જ નહિ પણ રાજકોટ શહેરના વિકાસમાં પણ એમનો ફાળો અનન્ય રહ્યો છે. એ ચેરમેન હતા ત્યારે સભાસદ હા, 11, 462 અને આજે છે ત્રણ લાખ. બેન્કની 38 શાખા છે કૂલ શેર ભંડોળ 693 કરોડ છે. ડીપોઝીટ 5100 કરોડથી પણ વધુ છે. બેંક 100 કરોડનો નફો કરતી હતી. આજે નેટ પ્રોફિટ 73 કરોડ છે અને 0.95 એનપીએ છે. 1988થી શીડ્યુઅલ બેંક બની અને 2021થી મલ્ટીસ્ટેટ બેંક. સૌરાષ્ટ્રની આ પહેલી સહકારી બેંક આજે આદર્શ ગણાય છે.
બેન્કમાં 1996-97માં ચૂંટણી થઇ હતી. બાકી બિનહરીફ ચૂંટણી થતીં આવી છે. 1996માં શુક્લ પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું પણ કોઈ ખટાશ આવી નહોતી. પણ આ વેળા બેન્કના બે જૂથ પડી ગયા છે. અને માહોલ એવો ઉભો કરી દેવાયો છે કે, મામા ભાણેજ વચ્ચે જંગ છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે, મતભેદો કે મનભેદો ભ્રષ્ટાચારના મુદ્દે છે. બંને પક્ષ આમને સામને આક્ષેપો કરે છે. કોઈ કહે છે જુનાગઢ બ્રાંચમાં ગરબડ થઇ છે, કોઈ કહે છે કે, મુંબઈ બ્રાંચમાં. એમાં કોંગ્રેસે પણ કુદાવી દીધું છે. આક્ષેપ એવો થઇ રહ્યો છે કે, ડેલીગેટની પસંદગી પણ મનસ્વી રીતે થાય છે અને એટલે બેંકમાં સત્તા એક જૂથની જ રહે છે. સંકેત ભાજપ આરએસએસ તરફ છે. અને એ વાત સાવ ખોટી ય નથી.
મહત્વની વાત એ છે કે, બેન્કમાં ક્યારેય કોઈ ગેરરીતીની વાતો સંભળાતી નહોતી. હવે સંભળાઈ રહી છે. છેલ્લા થોડા સમયથી બેંક બચાવો જૂથ સક્રિય થયું હતું. પછી કેટલાક ખુલાસા બેંક દ્વારા થયા અને વિરોધી જૂથ લગભગ શાંત પડી ગયું. પણ ચૂંટણી આવી કે તુરંત બે ફાંટા પડી ગયા. અને
આક્ષેપબાજી થઇ રહી છે. એક તરફ જ્યોતીન્દ્ર મહેતા જૂથ છે તો સામે કલ્પક મણિયાર જૂથ. એટલે કે મામા- ભાણેજ. આવી રીતે કોઈ ચૂંટણી ઓળખાય એ સારી નિશાની નથી. પણ જે રીતે આ ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ એટલે કે સુરેન્દ્રકાકા મેદાનમાં આવ્યા અને એમના નામે ફોર્મ ભરાય એનો મતલબ એવો થયો કે, હવે બેન્કનો પ્રશ્ન રાજકોટ પુરતો રહ્યો નથી. વાત છેક દિલ્હી દરબારમાં પહોચી છે. અને કોઈ પણ હિસાબે હાથમાંથી બેંક ના જવી જોઈએ એવું નક્કી છે. તો વાત સંઘના દરબારમાં પણ પહોચી છે. અને ચૂંટણીમાં સંઘના આગેવાનો તો છે જ.
પણ એક બીજા સામે પડ્યા છે એ બધાએ એ સમજવું જોઈએ કે, નાગરિક બેંક નાના માણસોની મોટી બેંક તરીકેની ખ્યાતી ધરાવે છે. જેમ રિલાયંસનાં શેર જેમણે શરૂૂઆતમાં ખરીદેલા અને એની કમાણીમાંથી ઘરના લગ્ન પ્રસંગો થાય એમ જ નાગરિક બેંકની લોન મેળવી ઘણા લોકો ધંધેધાપે પગભર થયા છે. રાજકોટનાં વેપાર ઉદ્યોગના વિકાસમાં બેન્કની ભૂમિકા બહુ મહત્વની રહી છે. આવી શાખ વચ્ચે ચૂંટણી ખટાશભર્યા વાતાવરણમાં થઇ રહી છે એ શોભનીય નથી.
અને આવું એટલે બની રહ્યું છે કારણ કે, બંને જૂથ વચ્ચે સેતુ બને એવા વડીલ રહ્યા નથી. અરવિંદભાઈ પણ નથી અને પ્રવીણકાકાકા પણ નથી. એવા કોઈ વડીલ હોત તો આ ઝગડા થયા ના હોત. વજુભાઈ વાળા છે, શિવલાલ વેકરીયા છે પણ એમની વડીલગીરી અહી કામ આવે એમ નથી. અમને તો રાજકોટની વિજય બેંક યાદ આવે છે. એક સમય એવો હતો કે, વિજય બેંકની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઇ હતી અને બેંકએ તાળા લાગે એવી સ્થિતિ હતી. અને ત્યારે રાજકોટ નાગરિક બેંક દ્વારા જ વિજય બેંકને એક પ્રકારે દત્તક લઇ એને બેઠી કરાઈ હતી અને આજે વિજય બેંક સધ્ધર છે. પણ રાજકોટ નાગરિક બેંકમાં સમસ્યા થઇ છે. આ સમસ્યા દૂર થવી જ જોઈએ. ચૂંટણીમાં કોણ જીતશે એ બધા જાણે છે. પણ દૂધમાં લીંબુનાં બે ટીપાં પડી ગયા છે. દૂધ ફાટી ગયું છે એનું શું? વિજય બેન્કને રાજકોટ નાગરિક બેન્કે બચાવી હતી પણ રાજકોટ નાગરિક બેન્કને કોણ બચાવશે?
