સંસાર ત્યાગી દઈને તાકાત દેખાડનારાને પદ ત્યાગવું અઘરું પડે છે

બ્રહ્મલીન ભ્રમલીન

સૌરાષ્ટ્ર માટે આઘાત જનક સમાચાર આવ્યા. કરોડો લોકોની આસ્થાના ધામ ગરવા ગઢ ગિરનાર પર શોક છવાયો છે. વિખ્યાત શક્તિ સ્થાનક અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરીજીએ
મહાપ્રયાણ કર્યું. ધર્મક્ષેત્ર માટે આ ઘટના આંચકા સમાન છે. વર્ષોથી દૈવી સાનિધ્યમાં રહીને મહંતશ્રીએ વિદાય લીધી છે.
કોઈપણ વ્યક્તિનું નિધન થાય ત્યારે માહોલ ભારે બની જતો હોય છે. જાણીતા – અજાણ્યા લોકો પણ આવી ઘટનાની અમાન્યા જાળવતા હોય છે. આ બાબત પરંપરા અને સંસ્કાર છે. સંતો મહાપ્રયાણ કરે ત્યારે તેને બ્રહ્મલીન થયા કહેવાય. બ્રહ્મ એટલે પરમાત્મામાં તેનો એકાકાર થઈ ગયાનું માન અપાય છે.
સાધુ- મહાત્માઓ – સ્વામીઓ – સંતો સામાન્ય માણસો ઉપર ઉઠેલું વ્યક્તિત્વ ગણાય. સામાન્ય માણસે સંતો – મહંતો પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લેવાના હોય છે. જો કે પૂ. તનસુખગિરિજી બ્રહ્મલીન થયા બાદ જે માહોલ સર્જાયો એ વિચારતા કરી મૂકે તેવો છે.
પૂ. તનસુખગિરિ બાપુને સમાધી આપવાની વિધિ બાકી હતી, તેઓનો નશ્વરદેહ સામે હતો ત્યારે ગિરક્ષેત્રના આદરણીય ગણાતા સાધુઓમાં વિવાદ શરૂ થય ગયો હતો. અંબાજીના ગાદિપતિ કોણ ? આ બાબતે પાલખી યાત્રામાં જ બઘડાટી બોલી હતી. ભક્તો શોકમાં હતા અને સંતો ગાદીના શોખમાં મસ્ત હતા. આ દ્રશ્યો આઘાતજનક અને શરમજનક ગણાય.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગિરનારનું અપાર મહત્વ છે. સાધનાની સિધ્ધિ માટે દેશી-વિદેશના સાધકો આ ક્ષેત્ર પર આસ્થા રાખે છે. અતિ મહત્વના સ્થાનો પર બિરાજમાન સંતો પાસે આદર્શ સંતત્વની અપેક્ષા હોય જ. સામાન્ય માણસ પણ કોઈના મોતનો મલાજો જાળવતા હોય છે અંબાજી ટૂંકના મહંત બ્રહ્મલીન થાય અને મોટા ગણાતા ભગવાધારીઓ જ મોતનો મલાજો ન જાળવે ને ગાદી માટે બઘડાટી બોલાવે તે અસહ્ય ઘટના છે.
ભક્તોએ સંતો પાસેથી શીખવાનું હોય, પણ હવે લાગે છે કે ભક્તોએ સંતોને પાઠ ભણાવવા પડશે. બઘડાટી બોલાવનારા ભગવાધારીઓ પરમાત્માને પામવા માટે પોતાનો સંસાર ત્યાગીને સાધુ બન્યા હોય છે. પરિવાર – સમાજનો ત્યાગ કરવો અસમાન્ય ઘટના ગણાય. આ માટે ભગવાધારીઓ વંદનીય છે. સવાલ એ થાય છે કે મા-બાપ, મિત્રો સંસારનો ત્યાગ કરવાનું મનોબળ ધરાવનારા ભગવાધારીઓ પદનો ત્યાગ કેમ કરી શકતા નથી ?
માત્ર ગિરનારમાં જ નહીં, સંપ્રદાયો, ધાર્મિક સંસ્થાઓ, મંદિરોમાં સંસાર ત્યાગનારા પદ-પૈસા-પ્રતિષ્ઠા માટે મરણિયા બનતા હોય છે. હવે ભક્તોએ ક્રાંતિ કરવાની જરૂર છે. સંતો -મહંતો- ગુરુઓ-કથાકારો આડા પાટે ચાલે તો તેનો બહિષ્કાર કરી દેવો જોઈએ. પૂ.તનસુખગીરીજી બ્રહ્મલીન થયા, પણ ગિરનારના કહેવાતા મહાત્માઓ ભ્રમલીન થયાં છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:00 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm