હિરેને દારૂ ઢીંચી ફોર્ચ્યુનરથી છ વાહનોને ઉલાળ્યા

કોટેચા ચોકમાં દિવાળીની રાતે બનેલી ઘટનાએ અનેકના જીવ અધ્ધર ચડાવી દીધા ગાંધીગ્રામ પોલીસે રામધામ સોસાયટીના ભરવાડ શખ્સને દબોચી નશો ઉતાર્યોટ

મોટા તહેવારોની ઉજવણી ‘છાંટોપાણી’ લઇને કરવાના ચલણ વચ્ચે પીધા પછી ‘પચાવી’ ન શકનારા પોતાના અને બીજાના માટે બની જાય છે જોખમી (દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 1
શહેરમાં અવાર-નવાર કારચાલકો તેમજ ટુવ્હીલર ચાલકો બેફામ બની પોતાની અને બીજા લોકોની જિંદગી જોખમમાં મુકી દેતાં હોય છે. હજુ ચાર દિવસ પહેલા જ પોલીસ હેડક્વાર્ટર સર્કલ પાસે અને મવડી હેડકવાર્ટર સર્કલ પાસે બે અલગ અલગ કારના ચાલકોએ કાબુ ગુમાવતાં એક કાર સર્કલમાં ઘુસી ગઇ હતી અને એર બેગો ખુલી ગઇ તેમજ બીજી કાર ગોથુ ખાઇ ગઇ હતી. જો કે કોઇને ઇજાઓ થઇ નહોતી. ત્યાં હવે દિવાળીની રાતે દારૂ પી છાકટા બનેલા શખ્સે બેફામ સ્પીડથી ફોર્ચ્યુનર કાર હંકારી ફિલ્મી ઢબે ત્રણ ટુવ્હીલર, ત્રણ કારને ઉલાળી દેતાં તેમાં ભારે નુકસાની થઇ હતી અને છએક લોકોને ઇજા પહોંચી હતી. આ કારનો ચાલક કાલાવડ રોડ પર રહેતો ભરવાડ શખ્સ ચિક્કાર નશો કરેલો હોઇ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તેનો નશો ઉતારવાની કાર્યવાહી કરી હતી.
શહેરમાં કોઇપણ મોટા તહેવાર હોઇ તેની ઉજવણી અમુક લોકો છાંટોપાણી લીધા વગર કરતાં નથી. જો કે પીધા પછી પચાવી નહિ શકનારા અને છાકટા બની જનારા પોતાના માટે અને બીજા લોકો માટે જોખમી બની જતાં હોય છે. કંઇક આવી જ એક ઘટનામાં એક નશાખોર શખ્સે દિવાળની રાતે કોટેચા ચોકમાં બેફામ ઝડપે ફોર્ચ્યુનર કાર હંકારી બે બાઇક, એક્ટીવા અને ત્રણ કાર સહિત છ વાહનોને ઉલાળી દેતાં છ લોકોને ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. નશો કરીને નીકળેલા શખ્સે રાહદારીઓ, બીજા લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ચોંકાવનારા અને લોકોના જીવ અધ્ધર કરી દેનારી આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતમાં ઘાયલ થયેલા પૈકીના કણકોટ મેઇન રોડ આશારામ આશ્રમની સામે પામ વીલા પાસે વિરડા વાજડી ગામમાં રહેતાં અને વરમોરા ટાઇલ્સ કંપનીમાં નોકરી કરતાં ઓગણત્રીસ વર્ષના સત્યમ દેવેશભાઇ સોલંકીની ફરિયાદ પરીથ ફોર્ચ્યુનર કાર જીજે18બીજી-9999ના ચાલક હિરેન ગુણુભાઇ ભરવાડ (રહે. કાલાવડ રોડ રામધામ સોસાયટી) વિરૂધ્ધ બીએનએસની કલમ 110, 281, 125, એમવી એક્ટ કલમ 177, 184, 185 મુજબ દારૂ પીધેલી હાલતમાં પુરઝડપે બેફામ રીતે કાર હંકારી પોતાની બેદરકારીથી બીજાનું મૃત્યુ નીપજી શકે તેવું જાણવા છતાં બેદરકારી પુર્વક કાર હંકારી બે ટુવ્હીલર અને ત્રણ કારને ઠોકરે ચડાવી સત્યમ તેમજ અન્ય તેના નાના ભાઇ, માસીયાઇ ભાઇ સહિત સાતને ઇજાઓ પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડની કાર્યવાહી કરી હતી.
સમગ્ર ઘટનાની વિગતો પોલીસ સમક્ષ જણાવતાં સત્યમ સોલંકીએ જણાવ્યું હતું કે હું અને મારો નાનો ભાઇ કેવીન દિનેશભાઇ સોલંકી તથા મારા મામાનો દિકરો દીપ કિરણભાઇ કોદવલા, દીપનો નાનો ભાઇ નીરજ કોદવલા સહિતને 150 રીંગ રોડ પર પાપા લુઇસ હોટેલ ખાતે જમવાનું હોઇ અમે ત્યાં પહોંચ્યા હતાં. આ વખતે મામાનો દિકરો દીપ કોદવલા અને તેનો નાનો ભાઇ નીરજ કોદવલા તેના બાઇક જીજે07એએફ-8842 લઇને હોટેલે આવ્યા હતાં. જમીને અમે ચારેય અલગ અલગ બાઇક પર ઘરે જવા નીકળ્યા હતાં.
રાતે દસેક વાગ્યે મારુ બાઇક જીજે03કેએલ-2519 હું ચલાવતો હતો, પાછળ નીરજ બેઠો હતો. જ્યારે બીજી બાઇક જીજે07એએફ-8842 કેવીન ચલાવતો હતો, તેની પાછળ દીપ બેઠો હતો. એ પછી અમે મોદી સ્કૂલ થઇ નિર્મલા કોન્વેન્ટ રોડ થઇ સપના કોલ્ડ્રીંક્સથી આગળ ધારેશ્ર્વર ડેરી પાસે પહોંચ્યા હતાં. અમે ધારેશ્ર્વર ડેરી પાસે અમારુ બાઇક સાઇડમાં રાખી ઉભા હતાં. દીપ અને કેવીન બાઇક પર આતાં હતાં ત્યાં જ કાળા રંગની ફોચયુનર કાર સપના સોડા દૂકાનથી આગળ બંબાટ આવી હતી અને મારા ભાઇની બાઇકને ઠોકરે લેતાં તે પડી ગયા હતાં. કાર ચાલકે કાબુ ગુમાવતાં આગળ બીજી એક એક્ટીવા અને ફોરવ્હીલર ગાડીઓને પણ ટક્કર મારી દીધી હતી અને અનેક લોકોને ઇજા પહોંચાડી હતી. મેં 108ને ફોન કરતાં 108 આવી ગઇ હતી.
એ પછી હું તથા નીરજ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. મારા ભાઇ કેવીનને માથા, શરીરેઇજાઓ થઇ હતી. વોર્ડમાં બીજા ઘાયલોને પણ લાવવામાં આવ્યા હતાં. જેના નામ લક્ષમણભાઇ ભુરાભાઇ ટાંક, લીલાબેન હરસુખભાઇ છત્રોલા સહિતના હતાં. ફોર્ચ્યુનર કાર જીજે18બીજે-9999ના ચાલકે અમારા બે બાઇક ઉપરાંત એક્ટીવા જીજે03કેબી-9380, સફેદ કાર જીજે03જેએલ-1900, કવીડ કાર જીજે14એક્યુ-4775, વેગનઆર કાર જીજે03સીઇ-7723ને પણ ઉલાળી દેતાં તેમાં બેઠેલા લોકોને ઓછીવધતી ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. ગાંધીગ્રામ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયાએ ગુનો નોંધી આરોપી હિરેન ગુણુભાઇ ભરવાડની ધરપકડ કરવા તજવીજ કરી હતી. અકસ્માત સમયે તે ચિક્કાર દારૂ ઢીંચેલી હાલતમાં હતો. આ ઘટનાને નજરે નિહાળનારા લોકોના શ્ર્વાસ અધ્ધર ચડી ગયા હતાં.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:53 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech