હુમલામાં ઘાયલ રેશ્માબેન બેલીમનું મોત, હત્યામાં પલટાતી ઘટના

કુવાડવા રોડ ડી માર્ટ પાછળ એંસી ફુટ રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં 14મીએ મોડી રાતે મહિલા પર પૂર્વ જેઠના પુત્ર અને જમાઈએ છરીના ઘા ઝીંક્યા હતાં

પતિથી તલ્લાક પછી રેશ્માબેન સાથે રામનાથપરામાં રહેતાં કુટુંબી જેઠ મહેબુબ સમાને નિકાહ કરવા હતાં: પણ તે આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોઇ તેણીએ ના પાડી દેતાં મહેબુબ સાથે માથાકુટ ચાલતી હતી: મહેબૂબના દિકરા ટીપુ અને જમાઇ સોહિલે અજાણ્યા સાથે આવી હીચકારો હુમલો કર્યો હતો: 4 આરોપી પકડતાં જેલહવાલે થયા હતાં

રાજકોટ મિરર, તા.24
કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ 80 ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં પતિથી છુટુ થયા પછી ત્રણ સંતાન સાથે રહેતી મુસ્લિમ મહિલાને 14 નવેમ્બરે રાત્રીના સાડા બારેક વાગ્યે રામનાથપરામાં રહેતાં તેના પુર્વ કુટુંબી જેઠના છોકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવી છરીના ઘા પેટ-છાતી-હાથમાં ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી.
હુમલામાં ઘાયલ મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતી તેનું આજે મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે. પતિ સાથે તલ્લાક થયા પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોઇ તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી. આ કારણે પુર્વ કુટુંબી જેઠ સાથે ડખ્ખો ચાલતો હતો. દરમિયાન જેઠના દિકરા, જમાઇએ ઓચીંતા આવી હીચકારો હુમલો કર્યો હતો. જે જીવલેણ નીવડ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયલા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.35)ના રિક્ષાચાલક ભાણેજ 80 ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ બ્લોક નં. એફ-603માં રહેતાં શોયેબ બોદુભાઇ સોલંકી (ઉ.વ.31)ની ફરિયાદ પરથી રામનાથપરામાં રહેતાં મહેબુબભાઇના દિકરા ટીપુ તથા મહેબુબભાઇના જમાઇ સાહીલ અને એક અજાણ્યા વિરૂધ્ધ બીએનએસની કલમ 54, 109, 135 મુજબ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. આ ગુનામાં ચાર આરોપીઓ પકડી લેવાયા હતા જે જેલમાં છે. એક શખ્સ હજુ હાથમાં આવ્યો નથી.
શોયેબ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પરિવાર સાથે રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. માતા-પિતા સાથે રહે છે. પોતે શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એફ-603માં રહે છે. તેમના મકાનના ઉપરના માળે કુટુંબી માસી રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.35) પોતાની બે દિકરીઓ તમન્ના (ઉ.વ.16), જીયા (ઉ.વ.12) અને 8 વર્ષના દિકરા સાથે રહેતા હતાં. તેમજ તેણી નવાગામમાં આવેલી યુનિક ફોમ નામની ગાદલા બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતાં.
માસી રેશ્માબેનના લગ્ન 2005માં થયા હતાં, પણ દોઢેક વર્ષ બાદ પતિ આરીફભાઇ સમા સાથે છૂટાછેડા થઇ ગયા હતા. હાલમાં રેશ્માબેનના પતિ આરીફભાઇ રામનાથપરામાં અલગ રહે છે. અગાઉ માસી રેશ્માબેન રામનાથપરામાં પતિ સાથે હુશેની ચોક અલકાબા મસ્જીદ સામે રહેતાં હતાં. તે વખતે કૌટુંબીક જેઠ મહેબુબભાઇ સમા તેમના પડોશમાં જ રહેતાં હતાં.


મહેબુબ સાથે નિકાહ પઢવા’તા પણ…
તેમના માસીને તેના પતિ સાથે છુટુ થયું પછી કુટુંબી જેઠ મહેબુબને તેણી સાથે નીકાહ કરવા હતાં. પરંતુ મહેબુબભાઇ મારા માસીના સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોઇ જેથી માસીએ નિકાહની ના કહી દેતાં તેના અને મહેબુબભાઇ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતાં. આ કારણે તેમના માસીએ તેની સાથે નિકાહ નહી કરવાનો નિર્ણય કરી લીધો હતો. જેથી મહેબુબભાઇ તેમના માસીને અવાર-નવાર ખાર રાખી ધમકીઓ દઇ નિકાહ કરવા દબાણ કરતાં હતાં. સોયેબે વધુમાં જણાવ્યું હતું કે હુમલો થયો એ દિવસથી વિસેક દિવસ પહેલા મારા માસી રામનાથપરાના ઘરે ગયા ત્યારે પણ તેના જેઠ સાથે મોટો ઝઘડો થયો હતો. તે વાત મારા માસીએ મને કરી હતી.


14મી રાત્રીના ખેલાયો ખૂની ખેલ
દરમિયાન બુધવારે 14મીએ રાતે સાડા બારેક વાગ્યે હું ઘરે હતો અને સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેમના ઘરની લોબીમાં બૂમાબૂમ થતી હોય બહાર જોવા જતાં ટોળુ ભેગુ થયેલુ હતું. તેમના માસીના ઘરની બહાર આ લોકો ઉભા હતાં. ત્યાં જતાં મારા માસી લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાયેલા પડયા હતાં. આજુબાજુમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. માસી કણસતાં હતાં અને કંઇક કહેવાનો પ્રયાસ કરતાં હતાં. મેં શું બનાવ બન્યો છે? તેમ પુછતાં તેણે કહેલુ કે-મહેબૂબનો દિકરો ટીપુ અને તેનો જમાઇ સોહીલ અને અજાણ્યો હતાં.એટલુ તે બોલ્યા હતાં. તેની વિડીયોગ્રાફી પણ મેં કરી હતી. કોઇએ 108ને જાણ કરી હોઇ ગાડી આવી જતાં માસીને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં.


અજાણ્યા શખ્શે પકડી, સોહીલે ઝીંક્યા છરીના ઘા
108માં પણ શોયેબ સોલંકીએ તેમના માસીને ફરીથી બનાવ બાતે પુછતાં તેણે કહેલું કે અજાણ્યા શખ્સે મને પકડી રાખી હતી અને મહેબુબના દિકરા ટીપુ તથા જમાઇ સોહીલે છરીના ઘા પેટ, છાતીના ભાગે માર્યા હતાં. આ બંનેને મારા માસી સાથે શું દુશ્મનાવટ છે તેની મને ખબર નથી. માસીને તેના કુટુંબી જેઠ મહેબુબ સાથે માથાકુટ હતી તે ખબર છે. ડોક્ટરે તપાસ કરતાં મારા માસીને કોઇ ધારદાર હથીયારથી ડાબા હાથની કોણી નીચે એક ઘા, પેટના ભાગે બે ઘા અને છાતીના ભાગે એક ઘા મારી દેવાયાનું જણાયું હતુ. તેમની હાલત નાજુક છે. પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર હીરાભાઇ રબારીએ હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.. સોયેબે વધુમાં જણાવ્યું હતું કે રાતે માસી રેશ્માબેનનો ઘરનો દરવાજો બંધ હતો. હુમલાખોરે ત્યાં પહોંચી ફોન કરી દરવાજો ખોલાવ્યો હતો અને ઓચીંતો જ હુમલો કરી દીધો હતો. હત્યાના બનાવથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:03 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech