બુટલેગર અલ્તાફ સહિત પંદરની ગેરકાયદે મિલ્કતો થશે ધ્વંશ
SMC એ રાજકોટના ‘છઆંગળી’ નામના દારૂના મોટા સોૈદાગર સહિત રાજ્યભરના બૂટલેગરોની મિલ્કતોની માહિતીનું લિસ્ટ જાહેર કર્યુ: ગમે ત્યારે થશે આકરી કાર્યવાહી
રાજકોટ: રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને ફાટીને ધૂમાડે ગયેલા ગુનેગારો કાબુમાં આવી જાય એ માટે રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપીએ સો કલાકમાં ગુનેગારો, અસામાજીકો સામે કડક પગલા લેવા આપેલી સુચનાને પગલે રાજ્યભરની પોલીસ કામે લાગી છે. આ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પણ પંરદ બુટલેગરોની યાદી તૈયાર કરી છે. જેમાં રાજકોટના નામચીન બુટલેગરની છાપ ધરાવતાં અલ્તાફ ઉર્ફ છ આંગળી સહિત પંદર જેટલા ગુનેગારોની ગેરકાયદે મિલ્કો શોધી કાઢી છે. આ મામલે હવે પછી ગુનાઓ દાખલ કરવા ઉપરાંત આવા બાંધકામો તોડી પાડવામાં આવે તેવી પણ તૈયારી થઇ રહી છે.
વિગતો જોઇએ તો રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય દ્વારા અસામાજીક તત્વો સામે સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહીના આદેશો સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટના પ્રોહીબીશન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી સહિત રાજયના 1પ ગુન્હેગારોની ગેરકાયદે મિલ્કતોનો સર્વે કરી ગુન્હાઓ નોંધવા અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવા તજવીજ શરૂ થઇ છે. જુગાર, દારૂ, કેમીકલ ચોરી સહિતના ગુન્હાઓમાં અનેક વખત સંડોવાયેલા 1પ ગુન્હેગારોની યાદી બનાવી જુદી જુદી 1પ ટીમોને કામે લગાડવામાં આવી હતી.
આ દરમિયાન અમદાવાદ અને મહેસાણાના જાણીતા જુગારી ગિરીશ પરસોતમભાઇ પટેલ ઉર્ફે ટોમી ઉંઝાના મકાન નં. 40, ગ્રીનફીલ્ડ સોસાયટી, સિન્ધુ ભવન રોડ, ફલતેજ, અમદાવાદ ખાતે મંજુરી વગર ગેરકાયદે થયેલું વધારાનું બાંધકામ તેમજ ઉંઝાની 80 ફુટ રોડ ઉપર આવેલી રાધેકૃષ્ણ ચોકડી પાસે ટેર્નામેન્ટમાં મંજુરી વગર થયેલું વધારાનું ગેરકાયદે બાંધકામ શોધી કાઢવામાં આવ્યું હતું. આવી જ રીતે ભરૂચના પ્રોહીબીશન નયન કિશોરચંદ્ર કાયસ ઉર્ફે બોબડાના ભરૂચ ખાતેના બંગલા નં. એએ/46 રવિકુંજન બંગલો, ઝાડેશ્ર્વરની સીમ ખાતે મંજુરી વગર કરેલુ વધારાનું બાંધકામ, અમદાવાદના પ્રોહીબીશન બુટલેગર છારા બાબુ ગુલાબભાઇ રાઠોડ દ્વારા અમદાવાદના સરખેજ સંન્યાસ આશ્રમની બાજુમાં શંકરપુરા છાપરા, કૈલાસનગર, અમદાવાદ ખાતે કાર્યપાલક ઇજનેરશ્રી યોજના વિભાગ-ર અને ગામતળ સરકાર હસ્તકની જગ્યામાં પતરાની છતવાળુ પાકુ ગેરકાયદે મકાન બાંંધી લેવાયુ છે.
આ ઉપરાંત અમદાવાદના જ પ્રોહીબીશન બુટલેગર છારા લક્ષ્મણ ઉર્ફે ક્રિષ્ના ગુલાબ રાઠોડ દ્વારા શંકરપુરા ઓવરબ્રીજ પાસે સરખેજ ખાતે કાર્યપાલ ઇજનેરની યોજના વિભાગ-રની જગ્યામાં પાકુ મકાન તથા આગળના ભાગે પતરાવાળી કુલ 6 પાકી દુકાનો ગેરકાયદે બાંધેલી, અમદાવાદના પ્રોહીબીશન બુટલેગર છારા સાવંત નાથુભાઇ દીદાવાલા દ્વારા કુબેરનગર છારા ખાતે બે માળનું ગેરકાયદે મકાન ઉપરાંત અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં મહાજન્યા વાસમાં 3 માળનું મકાન અને મકાનની આગળ પતરાવાળી દુકાન મંજુરી વગર ખડકી દેવામાં આવેલી શોધી કાઢવામાં આવી છે.
તેમજ અમદાવાદના જ પ્રોહીબીશન બુટલેગર રાજુ રૂપચંદ ક્રિષ્નાની ઉર્ફે ગેન્ડીએ અમદાવાદના સરદારનગર સિંધી કોલોની વિસ્તારમાં ગેરકાયદે ખડકેલું બે માળનું મકાન સરદારનગર વિસતારમાં જ પાણીની ટાંકી સામે ગેરકાયદે મંજુરી લીધા વગર કરેલુ બાંધકામ અને આજ જગ્યાએ ત્રીજુ ટેર્નામેન્ટ ગેરકાયદે બનાવ્યાનું સર્વે દરમિયાન શોધી કઢાયું છે. આ ઉપરાંત અમદાવાદના જાણીતા જુગારી ગોવિંદ ખોડીદાસ પટેલ ઉર્ફે ગામાએ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લીમીટેડ, નાના વાઘજીપુરા, દરીયાપુર વાડી જગ્યાના ત્રીજા માળે ગેરકાયદે કરેલું પતરા શેડનું બાંધકામ, કચ્છના દારૂના ધંધાર્થી અશોકસિંહ બાલુભા જાડેજા ઉર્ફે મામા દ્વારા ભચાઉ દરબાર ગઢ પાસે પોતાના બે માળના મકાનમાં જરૂરી મંજુરી-નકશા મેળવ્યા વગર કરેલા ફેરફારો ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે.
આ ઉપરાંત કચ્છના પ્રોહીબીશન પુના ભાણા ભરવાડના આથમણા નાકા રાપર ખાતે આવેલા બે માળના બાંધકામમાં થયેલું વધારાનું ગેરકાયદે બાંધકામ, સુરેન્દ્રનગરના કેમીકલ ચોરીમાં સંકળાયેલા રવિરાજ ભુપતભાઇ પટગીર ઉર્ફે રવીરાજ કાઠીની નેશનલ હાઇવે પાસે ડોળીયા સર્વે નં.માં આવેલા હોટલ સુર્યારાજ વાળી જમીનના કબ્જા ભોગવટાનો એક પતરાનો ગેરકાયદેસર શેડ, રાજકોટના પ્રોહીબીશન બુટલેગર અલ્તાફ હનીફ થઇમ ઉર્ફે છ આંગળીના ન્યુ વિજય નગર શેરી નં. 3, થોરાળા, ભાવનગર રોડ, રાજકોટ ખાતે આવેલું મકાન સુચીત જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવ્યાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સુરતના પ્રોહીબીશન બુટલેગર રામવરણ લક્ષ્મીનારાયણ ઉર્ફે મુન્ના લંગડાનું લીંબાયત સુરતની મહાપ્રભુ વસાહતમાં આવેલ મકાન વિકાસ પરવાનગી તેમજ બીયુસી પરમીશન લીધા વગર ગેરકાયદે ખડકયાનું બહાર આવ્યું છે. સાથોસાથ સુરતના પ્રોહીબીશન બુટલેગર મહમદ સલીમ અનવરઅલી સૈયદ ઉર્ફે ફ્રુટવાલાના ગોપીપુરા શાંતિનગર, બડેખાં ચકલામાં આવેલ ફલેટ મંજુર પ્લાનમાં દર્શાવ્યા મુજબ નહિ બંધાયાનું ઉપરાંત તેના જ ભાઇ એવા બુટલેગર મહમદ ફિરોઝ અનવરઅલી સૈયદ ઉર્ફે ફ્રુટવાલાનો તાતવાળમાંઆવેલ ગુલશન એ સાબરી એપાર્ટમેન્ટનો ફલેટ મંજુર પ્લાનમાં દર્શાવ્યા મુજબનો નહિ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત જુનાગઢના પ્રોહીબીશન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાના ખામધ્રોળ ગામના સર્વે નં. 10ર પૈકી 1 અને 106/1-બ ના જમીન પ્લોટ નંબર 99-100-101-10ર માં આશરે 1100 ફુટ ધાણાદાળના કારખાનાનો શેડ ગેરકાયદે બાંધ્યાનું બહાર આવ્યું છે. ઉપરોકત અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે રહેણાંક, કોમર્શીયલ બાંધકામ કર્યાનું અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણો કર્યાનું બહાર આવ્યું હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, ભરૂચ, કચ્છ, સુરેન્દ્રનગર, જુનાગઢના જીલ્લા પોલીસવડા, પોલીસ કમિઁરશ્રી, કલેકટરશ્રી અને લાગતા વળગતા સરકારી વિભાગોને આ તમામ ગેરકાયદે બાંધકામો હટાવવા અને ગેરકાયદે વિજ જોડાણો કાપી નાખવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતાવાર રીતે દરખાસ્ત મોકલવામાં આવી છે. જો કે આવી કામગીરી ક્યારે શરૂ થશે તે હજુ કહી શકાય તેમ નથી.
