લોકોએ તમાશો જોયો પણ વચ્ચે ન પડ્યા, અંતે પોલીસ આવી જતા મામલો વિખેરાયો : 3 કિન્નર સહીત 4 ને નાની મોટી ઈજા થતા દવાખાને ખસેડાયા
રાજકોટ, તા.19
શહેરના ગંજીવાડા શેરી નંબર 18 માં રહેતી નિકિતા દે મીરા દે નામની કિન્નરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો સામે મારામારી અને બબાલ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદી કિન્નરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે બપોરના સમયે તે તેમજ તેમના ગુરુજી મીના દે સહિતના ગ્રુપના કિન્નરો જુબેલી બગીચામાં બેઠા હતા. ત્યારે જુબેલી ગાર્ડનમાં એક અજાણ્યો સફેદ ટીશર્ટ પહેરેલો શખ્સ એક્સેસ લઈને આવ્યો હતો અને તેમની સામુ જોતો હતો. ત્યારે મારી સામે શું કામે જુવે છે તેવું કહેતા આ અજાણ્યો એક્સેસ વાળો જેમ ફાવે તેમ ગાળો આપવા લાગતા કિન્નર ગ્રુપ ભેગુ થઈ ગયું હતું અને માણસોનો જમાવડો એકત્ર થઈ જતા અજાણ્યો શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. દરમિયાન થોડી જ વારમાં ગાર્ડનમાં જીજે 03 એ જે 8637 નંબરની સીએનજી રીક્ષામાં અગાઉ બબાલ કરીને ભાગી ગયેલો શખ્સ આવ્યો હતો અને તેમની સાથે બીજા ત્રણ અજાણ્યા માણસો પણ હતા. આ ચારેય એક સંપ કરીને ફરિયાદિ તેમજ તેમના ગુરુ ઉપર લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આજે ઝપાઝપીમાં નીલમ દે તેમજ અદિતિ દે મીરા દે, તથા કોમલ દે હેતલ દે, જયા દેને સામાન્ય ઈજા થઈ હતી.
દરમિયાન તેઓને છોડાવવા માટે વચ્ચે પડેલા અજય મુન્નાભાઈ દેવીપુજક નામના યુવાનને પણ ટચલી આંગળીમાં છરીની ઈજા થઈ હતી. ફરિયાદમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સોનાની ચેન બબાલ દરમિયાન ક્યાંક ગુમ થઈ ગઈ છે.
બીજી બાજુ સ્વ બચાવ માટે કિન્નર ગ્રુપના કિન્નરોએ પથ્થરમારો કરતા રીક્ષાનો કાચ તૂટી ગયો હતો. આ સમયે પોલીસની ગાડી આવી જતા ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા. સામું જોવા બાબતે આ માથાકૂટ થઈ હોવાનું ફરિયાદી કિન્નરે પોલીસને જણાવ્યું હતું પોલીસે સીએનજી રીક્ષા નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂૂ કરી છે.
