જે.કે. સરધારા પરના હુમલામાં PI સામે ગુન્હો

મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં પહેલા લગ્નપ્રસંગમાં પીઆઇએ બોલાચાલી કરી પછી પાર્કિંગમાં બોલી બઘડાટી: સીસીટીવી ફૂટેજ વહેતા થયા

ફરિયાદમાં સરધારાએ લખાવ્યું-જુનાગઢના પીઆઇ સંજય પાદરીયાએ મને સમાજનો ગદ્દાર કહીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો: એસીપીએ શરૂ કરી તપાસ: પીઆઇ પાસે પિસ્તોલ ન હોવાની અને તે રજા પર હોવાની ચર્ચા: ઘટનાના સોૈરાષ્ટ્રભરમાં પડ્યા પડઘા

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 26
હું જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયા, હું નરેશ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામનો ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે…આ પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરે મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવેલા સરદારધામના ઉપપપ્રમુખ સાથે ઝઘડો કરી બોલાચાલી કર્યા બાદ તે પાર્કિંગમાંથી કાર લઇને નીકળ્યા ત્યારે પીઆઇએ ફરીથી કાર આંતરી ઝઘડો કરી આજે હવે તને અહિથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવા હથીયારથી માથામાં કુંદા મારી ઇજા કરી તેમજ પછાડીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ ઘટનાના સોૈરાષ્ટ્રભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દરમિયાન આ અંગે તાલુકા પોલીસે હુમલો કરનારા પીઆઇ વિરૂધ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરતાં ચકચાર જાગી છે. ફરિયાદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે હું સરદારધામનો ઉપપ્રમુખ બનતાં ખોડલધામ ટ્રસ્ટ અને નરેશભાઇ પટેલને આ વાત પસંદ ન હોઇ તેના કારણે પીઆઇએ મારા પર હુમલો કરી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો!
ઘટનાની વિગતો પર નજર કરીએ તો શહેરનાં પુર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી તેમજ સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર સમોવારે રાત્રીના મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હીચકારો હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતાં. દરમિયાન હુમલામાં ઘાયલ જયંતિભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે હુમલો કરનારા જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરતાં ચકચાર જાગી છે. જયંતિભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે-હું સરદારધામ સોૈરાષ્ટ્ર સોમનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે હું નિમાયો હોઉ અને ખોડલધામ ટ્રસ્ટ તથા નરેશભાઇ પટેલને અમો ઉપપ્રમુખ તરીકે હોઇએ તે વાત પસંદ ન આવતી હોઇ તે કારણે પીઆઇએ મને સમાજનો ગદ્દાર કહી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. જો કે બીજી તરફ માથાકુટ વખતે પીઆઇ પાસે હથીયાર નહિ હોવાનું અને તે રજા પર હોવાના અને સોશિયલ મિડીયા, ન્યુઝ ચેનલોમાં સમાચારો વહેતા થયા છે. હું નરેશ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામનો ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે…તેમ કહી પીઆઇએ હુમલો કરી દીધાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.
આ ઘટનાની પોલીસ ચોપડે નોંધાાયેલી એફઆઇઆરની વિગતો અનુસાર કોઠારીયા રોડ હરિધવા માર્ગ પર શ્રીરામ પાર્કઅ1 નવનીત હોલ સામે રહેતાં પાટીદાર આગેવાન અને સરદારધામ સોૈરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ અઠાવન વર્ષના જયંતિભાઇ કરસનભાઇ સરધારા પર રાતે મવડી કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટ પાસે જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના બનતાં અને જયંતિભાઇને લોહીલુહાણ હાલતમાં ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાતાં આગેવાનો, કાર્યકરો, પરિવારજનો, ભાજપ આગેવાનો અને જયંતિભાઇના મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતાં. જયંતિભાઇએ લોહીલુહાણ હાલતમાં જણાવ્યું હતું કે મને પીઆઇ પાદરીયાએ મને ખુણામાંલઇ જઇને કીધુ કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામના ઉપપ્રમુખનો તે શું કામ ચાર્જ લીધો? અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે, નરેશ પટેલની સામે થઇશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહેતાં મેં કીધુ કે ભાઇ હું તો થયો છું, મેં કોઇ પાપ નથી કર્યુ કે ખરાબ કામ નથી કર્યુ.
ત્યારપછી તેણે મને બહાર નીકળ જોઇ લઉ છું તેમ કહેતાં હું ગાડી લઇને નીકળતાં તે આડો ઉભા રહી ગયેલ, હુ બહાર નીકળતાં સીધા જ તેણે માથામાં હથીયાર મારતાં હું પડી ગયો હતો. માથે તાંકીને ઉભેલ અને મારી નાખીશ તો આટલી વાર લાગશે તેમ કહી હવે જો સરદારધામના કામમાં ગ્યો છો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી, હું ફરીથી ઉભો થતાં મારો કાંઠલો પકડ્યો હતો. હું દોડીને ગાડીમાં બેસી જતાં ફરીથી તેણે કાંઠલો ખેચી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પણ હું ગાડી લઇ સડસડાટ નીકળી ગયેલ ત્યારે પણ તે હથીયાર લઇ પાછળ દોડેલ. ઉપરોક્ત નિવેદન હોસ્પિટલમાં જયંતિભાઇને ખસેડાયા ત્યારે તેણે આપ્યું હતું જે રાતે સોશિયલ મિડીયામાં વાયરલ થયું હતું.
આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ, એલીસીબી, ડીસીબી, ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતાં. તાલુકા પોલીસે આ બનાવમાં હુમલામાં ઘાયલ જયંતિભાઇ સરધારાની ફરિયાદ પરથી જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયા વિરૂધ્ધ પિસ્તોલ જેવા હથીયારથી માથાના ભાગે ઘા ફટકારી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળ તપાસ વધારી હતી. જયંતિભાઇ સરધારાએ એફઆઇઆરમાં જણાવેલી વિગતો આ મુજબ છે. તેમણે કહ્યું હતું કે-હું વેપાર કરુ છું અને પરિવાર સાથે રહુ છું, સાથે સાથે હું સરદારધામ સોૈરાષ્ટ્ર ઝોનનો ઉપપ્રમુખ તરીકે સમાજનો અગ્રણી છું. સોમવારે 25મીએ સાંજે સાડા પાંચેક વાગ્યે હું મારી કાર જીજે03એમબી-8118 લઇને મારા મિત્ર રમેશભાઇ ગીરધરભાઇ કોરાટના પુત્રના લગ્નમાં શ્યામ પાર્ટી પ્લોટ મવડી કણકોટ રોડ પર છે ત્યાં ગયો હતો. રાતે સાડા આઠેક વાગ્યે હું ફંકશનમાં હતો ત્યારે અગ્રણી મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. આ વખતે એક વ્યક્તિ મારી પાસે આવેલ અને કહેલુ કે-હું સંજયભાઇ પાદરીયા પીઆઇ છું અને જુનાગઢ એસઆરપી રિજીયનમાં છું, તું સમાજનો ગદ્દાર છો…આવુ કહી મને મારવાની કોશિષ કરતાં અન્ય અગ્રણીઓ વચ્ચે પડેલા અને ઝઘડો બોલાચાલી અટકાવ્યા હતાં.
ત્યારે આ સંજય પાદરીયાએ કહેલુ કે-હું નરેશભાઇ પટલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહિથી જીવતો જવા દેવો નથી. આ પછી સંજય પાદરીયા જતા રહેલ અને હું મારુ ફંકશન પુરૂ કરી પાર્કિંગમાંથી મારી કાર લઇને નીકળ્યો ત્યાં રસ્તામાં ગાડી આડે સંજય પાદરીયા આવી ગયેલ અને ગાડી ઉભી રખાવી હતી. હું બહાર આવતાં જ સંજય પાદરીયાએ પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવા હથીયારથી મને સીધો માથાના ભાગે ઘા મારી દીધો હતો. જેથી હું નીચે પડી ગયો હતો. એ પછી સંજય મારી ઉપર આવી જઇ ઢીકાપાટુ મારવા માંડ્યો હતો અને ગાળો દઇ આજે તો પતાવી જ દેવો છે તેમ કહી માર મારતાં દેકારો થતાં બે અજાણ્યા લોકો આવી જતાં મને છોડાવ્યો હતો. મને માથામાં ઇજા થઇ હોઇ લોહીલુહાણ થઇ ગયો હતોઉ એ પછી ત્યાંથી નીકળી જઇ મારી જાતે જ ગિરીરાજ હોસ્પિટલે પહોંચ્યો હતો. હુ઼ હાલ ભાનમાં છું અને સારવાર હેઠળ છું.
જયંતિભાઇએ ફરિયાદમાં અગાળ જણાવ્યું હતું કે સરદારધામ સોૈરાષ્ટ્ર સોમનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે હું નિમાયો હોઉ અને ખોડલધામ ટ્રસ્ટ તથા નરેશભાઇ પટેલને અમો ઉપપ્રમુખ તરીકે હોઇએ તે વાત પસંદ ન આવતી હોઇ તેમજ અમો સમાજના ગદ્દાર છીએ તેમ કહી સંજય પાદરીયા જે પીઆઇ છે તેણે પિસ્તોલ જેવા હથીયારથી માથામાં ઘા ફટકારી ઇજા કરી ઢીકાપાટુ મારી ગાળો દઇ જાનથી મારી નાખવાનની ધમકી આપી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં જયંતિભાઇ સરધારાએ જણાવતાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનામાં પીઆઇ ચાલીને જતાં હોય અને બાદમાં કાર આવતી હોઇ તેમાંથી જયંતિભાઇ સરધારા ઉતર્યા બાદ મારામારી થતી હોવાના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો વહેતા થયા છે, પીઆઇ હાલ રજા પર હોવાની વાતો પણ ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થઇ હતી. તાલુકા પોલીસ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં આગળ તપાસ કરે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:38 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech