નવા સમીકરણ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ધુંઆધાર નેતા યોગી આદીત્યાનાથજીએ વહાવેલું સુત્ર ’ કટેંગે તો બટેંગે’ ખુબ હિટ રહ્યું છે. આ સામે રાહુલ ગાંધી પોતાનું જુનું વાજિંત્ર ’ બંધારણમાં ફેરફાર’નું વગાડયે રાખે છે. રાહુલની નીતિ અને રીતિથી કોંગ્રેસના સાથી પક્ષો જ ખુબ પરેશાન છે. દિલ્હીમાં કેજરીવાલે તો રાહુલથી કંટાળીને ઘોષણા કરી દીધી કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું.
હાલ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ છે. ખરા સમયે નવા સમીકરણો આકાર પામી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેના વિવાદો હલ થાય અને ફરીથી સાથે બેસે તેવી સંભાવના વધી રહી છે.
આવું શક્ય બને તો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ ગણાશે. શિવસેતા પરંપરા અને વિચારધારા પ્રમાણે કોંગ્રેસની વિરોધી છે. ઉદ્ધવના પિતાશ્રી બાળા સાહેબ ઠાકરે તેજાબી વ્યક્તિત્વ ધરાવતા હતા. દાયકાઓ સુધી ભાજપ સાથે જોડાણ હતું. બાળા સાહેબ કોંગ્રેસના આક્રમક વિરોધી હતા. તેમની વિદાય બાદ ઉદ્ધવ ઠાકરેના હાથમાં પક્ષની ધૂરા આવી.
ઉદ્ધવ ઠાકરેનો પ્રભાવ પાવરફુલ નથી. ખુદને બાલા સાહેબ સમાન ગણતા હતા. આ કારણે ભાજપ સાથે સંબંધો ખાટા થયા. બંને પક્ષો જુદા પડ્યા. રાજકીય લાચારીના કારણે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ-એનસીપી સાથે જોડાણ કરવું પડ્યું.
ભાજપને પાડી દેવાના ઈરાદેથી ઉદ્ધવ મેદાનમાં હતા, પણ ઉદ્ધવ ખુદ રાજકીયરૂપે તૂટવા લાગ્યા. કોંગ્રેસ-રાહુલ સાથે તેમને ફાવે તેમ પણ નથી. રાહુલ વારંવાર વીર સાવરકર જેવી હસ્તીઓના અપમાન કરે છે. આ મુદ્દો ઉદ્ધવ માટે અઘરો થઇ જાય છે. મહારાષ્ટ્રમાં વીર સાવરકર ખૂબ લોકપ્રિય છે.
બીજી તરફ કોંગ્રેસ લઘુમતી મતો માટે તૃષ્ટિકરણની નીતિ અપનાવે છે. ઉદ્ધવે લઘુમતી મતદારો તરફી નીતિ ઘડી, પણ લઘુમતીઓ વિશ્વાસ કરતા નથી. અને બહુમતી મતદારો દૂર થતા રહે છે. આ કારણે ઉદ્ધવ ખુદ શક્તિહીન બનવા લાગ્યા. હવે ફરીથી ભાજપ સાથે જોડાઈ જવા મન બનાવી રહ્યા હોય તેમ લાગે છે.
તાજેતરમાં ઉદ્ધવે જાહેર સભામાં ભાજપ બોલાવે તો પોતે બેઠક કરવા તૈયાર હોવાનું કહ્યું છે. સામે ભાજપ તરફથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. આ સમીકરણ ફરીથી સેટ થઇ જાય તો ભગવો તાકાત વધારે પાવરફુલ બની શકે છે. આ ઉપરાંત કેન્દ્રમાં પણ ભાજપની શક્તિમાં વધારો થાય અને વિપક્ષ થોડો નબળો પડે તેમ છે.
રાજકીય સમીક્ષકો કહે છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ અકલ્પનીય રાજકીય સ્થિતિ બની શકે છે. નવા સમીકરણો રાષ્ટ્રીય રાજનીતિને અસર કરશે.
