કોરોના વર્ષમાં પણ 36917 વાહનોનું વેંચાણ, વ્હીકલ ટેકસની આવક પણ 17.33 કરોડને વટાવી

0
201

મનપાની ગત નાણાકીય વર્ષની વેરાની આવક 273. 80 કરોડ જેવી વિક્રમી થતા તંત્રની તિજોરીને ઓકસીજન મળ્યાનો અહેસાસ થયો છે. હવે લોકોની જેમ સત્તાધીશો પણ વેરા વળતર યોજના શરૂ થાય અને આવકના ઢગલા થાય તેની રાહ જુએ છે ત્યારે વ્યવસાય વેરો અને વાહન વેરાનો ટાર્ગેટ પણ પૂર્ણ થઇ ગયો છે.

બજેટમાં પ્રોફેશ્નલ ટેકસનો ટાર્ગેટ 26 કરોડ હતો. 44235 આસામીએ 29. 75 કરોડનો વ્યવસાય વેરો ભર્યો છે. તો વાહન વેરાનો ટાર્ગેટ પણ 17 કરોડ રાખવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ 36917 વાહન વેચાતા વ્હીકલ ટેકસની આવક પણ 17. 33 કરોડને વટાવી ગઇ છે. કોર્પો. ના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આ આવક સૌથી વધુ છે. અગાઉ 2016-17માં ટેકસની આવક 262. 78 કરોડ થઇ હતી.

આ વર્ષે 311204 કરદાતા પણ વિક્રમ રૂપ નોંધાયા છે. અગાઉ નોટબંધી અને વ્યાજમાફીની યોજના વખતે પણ (2016-17) 292225 લોકોએ વેરો ભર્યો હતો. તા. 1 જાન્યુઆરીએ રીકવરી સેલ બનતા તે બાદથી 85 કરોડની વસુલાત થઇ છે. ગત વર્ષે આ જ ગાળામાં 39 કરોડની આવક થઇ હતી. સેલ દ્વારા 811 મિલ્કત સીલ કરાતા 750 આસામીએ ટેકસ ભરી દીધો હતો તે ઉલ્લેખનીય છે.