પ્લોટમાં મકાન બનાવવા બાબતે ગ્રામ પંચાયતે જતાં પ્લોટ સરકારી હોવાની જાણ થઈ: પ્લોટધારક કાનજીભાઈ જોગડીયાએ તલાટી અને સરપંચ સામે કર્યો ગેરરિતીનો આક્ષેપ: તંત્ર અને સતાધીશોની નીતિ રીતિ સામે અનેક સવાલ?
રાજકોટ મીરર
રાજકોટના નાગલપર ગામમાં પ્લોટની ફાળવણી કર્યા બાદ આકારણી પત્રક રદ કરતાં પ્લોટ ધારકે ગેરરિતી થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પ્લોટ ધારકે રાજકોટ તાલુકા પંચાયતના ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી. અને નાગલપર ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ સામે પ્લોટ ધારકે આક્ષેપ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં આવેલ નાગલપર ગ્રામ પંચાયત દ્વારા 2019માં ગામની આકારણી કરવામાં આવી હતી. ત્યારે માપણી કરનાર એન્જિનિયર દ્વારા નાગલપર ગામમાં 200 નંબરનો પ્લોટ રાધાબેન જીવરાજભાઈ જોગડીયા નામે ફાળવી 15/12/2019માં રોજ આકારણી પત્રકમાં ઉલ્લેખ કર્યો હતો. બાદ 2023માં રાધાબેનનું અવસાન થયું હતું. બાદ રાધાબેનના દિકરા કાનજીભાઈ જોગડીયા તે પ્લોટનો ઉપયોગ કરે છે. હાલ તે પ્લોટમાં મકાન બનાવવું હોય જેથી તે મકાન બનાવ માટેની પ્રોસેસ કરતાં તેને માલુમ પડ્યું કે આ પ્લોટ સરકારી છે. અને જે તે વખતે પ્લોટનું આકારણી પત્રક આપવામાં આવ્યું હતું. પણ તે પ્લોટમાં મકાન બનાવી ન શકાય. બાદ કાનજીભાઈ જોગડીયા આ બાબતે તલાટી પાસે જતા ગ્રામ પંચાયતના તલાટીએ ઉડાવ જવાબ આપી તે પ્લોટ સરકારી છે તેમાં મકાન ન બનાવી શકાય તેવું કહ્યુ હતુ. બાદ કાનજીભાઈ જોગડીયાએ આ અંગે રાજકોટ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતાનો પરિવાર વર્ષોથી નાગલપર ગામમાં રહે છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ 200 નંબરનો પ્લોટ આકારણી પત્રક સહિત વેરા પહોંચ આપી જગ્યાનો કબજો આપેલ હતો. તે વખતે સરપંચ દ્વારા જણાવાયું હતું કે આ જગ્યાના ખુટતા કાગળ ટૂંક સમયમાં મળી જસે. બાદ આજ સુધી કોઈ કાગળ મળેલ નથી. અને આ બાબતે કોઈ પણ જવાબ આપેલ નથી. તેમજ તલાટી દ્વારા જણાવાયું કે આ મિલકત રજીસ્ટરમાં નથી. ત્યાર બાદ ફરી કાનજીભાઇએ સરપંચને વાત કરેલ પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપેલ નહિ. હાલમાં પણ તે જગ્યાનો કબ્જો ધરાવીએ છીએ. છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત કરવેરો ચૂકવું છું. અને હાલ તે જમીનમાં મકાન બનાવવું હોય જેથી આ વર્ષનો કરવેરો ભરવા ગયો ત્યારે તલાટીએ વેરો ભરવાની ના પાડી હતી. અને તે જગ્યા સરકારી છે તેવું જણાવ્યું હતું. આ બાબતે કાનજીભાઈએ આક્ષેપ સાથે ટીડીઓને રજુઆત પણ કરી હતી. ત્યારે સવાલ એ પણ થાય કે જે તે વખતે કરેલ ગામની આકારણી ભૂલ ભરેલ કે વિસંગતા વાળી હોય તો આજ દીન સુધી કેમ કરી ફરી આકારણી ન કરી? તે જમીન ખરેખર સરકારી છે કે અગાઉ અધિકારીએ કરેલ ભૂલને ઢાંકવા તલાટી અને સરપંચ ઢાક પીછોળો કરે છે? આ બાબતે સરપંચે જણાવ્યુ હતું કે જે તે વખતે માપણીમાં ભુલ થયેલ છે. તે જગ્યા પર અગાઉ બાલ મંદીર હતુ. અને હાલ ત્યાં ખૂલ્લો પ્લોટ છે.
ખુલ્લા પ્લોટનો ઘર વેરો વસૂલી શકાય?
નાગલપર ગ્રામ પંચાયતમાં દ્વારા 2019માં કરેલ આકારણી સમયે માપણી કરનાર એન્જિનિયરે 200 નંબરનો પ્લોટ રાધાબેન જોગડીયાના નામે આકારણી કરી પત્રક તથા ટિપ્પણ કાઢી આપ્યુ હતું. બાદ તે પ્લોટ ધારક દ્વારા દર વર્ષે ઘરવેરો, દિવાબત્તી વેરો, સફાઈ વેરો, પાણી વેરો ભરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે ખુલ્લા પ્લોટનો ઘર વેરો, દીવાબત્તી વેરો ભરી શકાય? શું તે ગામના તલાટી આ બાબતે અજાણ છે? કે પછી જાણી જોઈને ઢાક પીછોળો કરે છે?
ગામની નવી આકારણી બાદ પ્લોટ રદ કરવામાં આવ્યો : તલાટી
આ સમગ્ર બનાવ મામલે નાગલપર ગ્રામ પંચાયતના તલાટી શિલ્પા પલાડીયાએ જણાવ્યું હતું કે જે તે વખતે ગામમાં આકારણી કરવામાં આવી હતી ત્યારે 200 નંબરના પ્લોટમાં રાધાબેન જોગડીયાનો નામનો ઉલ્લેખ કરી આકારણી પત્રક આપવામા આવ્યું હતું. તે વખતે માપણી કરનાર એન્જિનિયરે ભૂલથી સરકારી જમીન પર રાધાબેન જોગડીયાનું નામ દર્શાવી દીધું હતું. બાદ આ વર્ષે ફરી આકારણી કરતાં આ પ્લોટ સરકારી હોવાનું અને અગાઉ જૂનું બાલ મંદીર ત્યાં હોવાનું જણાતા આકારણી કમિટી દ્વારા આ પ્લોટ રદ કરવામાં આવ્યો છે.
